મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

૬ નવેમ્બરે થશે સુનાવણી

જેલમાં ડીપ્રેશન-અજંપો અનુભવું છું: મને જામીન આપોઃ નીરવ મોદીની કોર્ટમાં અરજી

લંડન, તા.૩૧: ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે બે અબજ ડોલર જેટલી રકમની છેતરપિંડી કરીને લંડન ભાગી ગયેલા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીએ ફરી એક વખત લંડનની જેલમાંથી છુટવા માટે જામીનની અરજી કરી છે. આ વર્ષે માર્ચ મહિનામાં એના પ્રત્યર્પણનું વોરંટ બહાર પાડવામાં આવ્યા બાદ આ પાંચમી વખત એણે જામીન માટે અરજી કરી છે. આ વખતે એણે જેલમાં ડિપ્રેશન અને અજંપો અનુભવતો હોવાનું કારણ આપીને જામીન માગ્યા છે.

કોર્ટના અધિકારીએ બુધવારે આપેલી માહિતી પ્રમાણે એની આ અરજીની ૬ નવેમ્બરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

નીરવને વીડિયોલિંક દ્વારા અથવા જો કોર્ટને યોગ્ય લાગશે તો પ્રત્યક્ષ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

લંડનની સૌથી વધુ કેદીઓ ધરાવતી જેલમાંની એક વેન્ડસવર્થ જેલમાં નીરવને રાખવામાં આવ્યો છે અને એની લીગલ ટીમે અગાઉ પણ એના નબળા સ્વાસ્થ્યનું કારણ આપીને જામીનની માગણી કરી હતી.

આ વર્ષના માર્ચ મહિનામાં જામીન માટે કરેલી અરજીમાં નીરવના માનસિક સ્વાસ્થ્ય વિશેની વિગતો કોર્ટ સમક્ષ બંધ કવરમાં રજૂ કરવામાં આવી હતી અને કોર્ટના આદેશ પ્રમાણે એ જાહેર કરવામાં નહોતી આવી.

અગાઉ નીરવના વકીલોએ કરેલી અપીલ ફગાવતા જજે નોંધ્યું હતું કે નીરવે પુરાવા નષ્ટ કરવા અને સાક્ષીઓને ડરાવ્યા હોવાની વાત સાબિત થઇ છે. આ સિવાય, જો એને છોડવામાં આવે તો એની પાસે ભાગી જવાના પર્યાપ્ત સાધનો હોવાથી જામીન અરજી ફગાવવામાં આવે છે. પ્રત્યર્પણ માટેની સુનાવણી આવતા વર્ષે ૧૧થી ૧૫ મે વચ્ચે શરૂ કરવામાં આવશે. ત્યાર સુધી નીરવે દર ૨૮ દિવસે વીડિયોલિંક દ્વારા કોર્ટ સમક્ષ હાજર થવું પડે છે.

જામીન માટે અરજી કરવાની કોઇ મર્યાદા ન હોવાથી એ વારંવાર આ રીતે અરજી કરીને જેલની બહાર આવવાનો પ્રયત્ન કરતો રહે છે.

(11:48 am IST)