મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

લગ્ન માટેની ઉંમરમાં ફેરફાર માટે વિચારી રહી છે સરકાર

છોકરા છોકરીની ઉંમર સરખી કરવાની વિચારણા

નવી દિલ્હી તા ૩૧ :  કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે લગ્ન માટે સમાન વય નક્કી કરવાની કસરત શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ગઇકાલે દિલ્હી હાઇકોર્ટમાં આ માહિતી આપી હતી. સરકારે કહયું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બંને (છોકરા-છોકરી) ની લગ્ન માટેની સમાન વય મર્યાદા પર ચર્ચા કરવા માટે હિતધારકો સાથે પરામર્શની પ્રક્રિયા શરૂ કરી છે.

મુખ્ય ન્યાયધીશ સી.એન. પટેલ અને ન્યાયધીશ સી. હરીશંકરની બેંચ સમક્ષ સરકારે એક જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન આ માહીતી આપી હતી. જોકે બેંચને આ કેસમાં કાનુન મંત્રાલયને પણ પક્ષકાર બનાવવાનો આગ્રહ કરાયો છે. કેમ કે આના માટે કાયદામાં પણ સુધારો કરવો જરૂરી છે.

બેંચ સમક્ષ સરકાર તરફના વકીલે કહયું કે અત્યારે આ કેસમાં સોગંદનામુ દાખલ નથી કરાઇ રહ્યું પણ મંત્રાલયે પોતાના બધા હિતધારકો સાથે વિચારણા ચાલુ કરી દીધી છે. હાઇકોર્ટમાં કરાયેલ અરજીમાં છોકરા-છોકરીની લગ્નની વયમર્યાદા એક સમાન કરવાની માંગણી કરવામાં આવી છે. અત્યારે લગ્નની વયમર્યાદા છોકરા માટે ૨૧ અને છોકરી માટે ૧૮ વર્ષ છે.

(11:46 am IST)