મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

ઓળખપત્ર વગર પણ મળશે ઉજ્જવલા ગેસ કનેકશન

દરેક વ્યકિતને લાભ આપવા મંત્રાલય નિયમો ફેરવશે : તલાટીનું સર્ટીફીકેટ પણ માન્ય ગણાશે

નવી દિલ્હી તા.૩૧: કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો વ્યાપવધારવાની તૈયારીઓ કરી રહી છે. સરકાર આ યોજનાનો લાભ એવા પરિવારને પણ આપવા માંગે છે જેમની પાસે કોઇ પ્રકારનું ઓળખકાર્ડ નથી.

પેટ્રોલિયમ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ સમાજના મોટાભાગના પરિવારો સુધી સ્વચ્છ ઇંધણ પહોંચી ગયું છે પણ હજુ પણ કેટલાક લોકો એવા છે જેમની પાસે કોઇ ઓળખપત્ર ન હોવાથી આનો લાભ નથી મળ્યો. મંત્રાલય હવે આવા લોકોને પણ ઉજ્જવલા યોજનામાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે જેથી સમાજના દરેક ઘર સુધી રાંધણ ગેસ પહોંચે.

અધિકારીએ કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરનારા લગભગ પાંચ ટકા પરિવારો એવા હતા જેમની પાસે યોજનાનો લાભ લેવા માટે કોઇ માન્ય દસ્તાવેજ નહોતા. હવે મંત્રાલય આવા લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. આના માટે મંત્રાલય લાભાર્થી પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. આના માટે મંત્રાલય લાભાર્થી માટેના માન્ય દસ્તાવેજના લીસ્ટમાં ફેરફાર કરશે. આ યોજના હેઠળ સરકાર ગરીબ પરિવારોને મફત ગેસ કનેકશન આપે છે. આના માટે ગેસ કંપનીને ૧૬૦૦ રૂપીયા કનેકશન દીઠ સબસીડી આપવામાં આવે છે.

જે પરિવારો પાસે કોઇ ઓળખપત્ર નથી તેમના માટે નિયમોમાં ફેરફારો કરાઇ રહ્યા છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી અને નગર પાલિકાના સક્ષમ અધિકારીઓ આવા પરિવારોને પ્રમાણપત્ર આપી શકશે. તેના આધાર પર મંત્રાલય ગેસ કનેકશન આપશે.

(11:43 am IST)