મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

કોંગ્રેસમાં રાહુલ-સોનિયા જૂથ સામ - સામે

નવી દિલ્હી તા.૩૧ : પહેલા એક નજર આ બે બયાનો પરઃ ''પક્ષની અંદરના જ કેટલાક સીનીયર નેતાઓ નથી ઇચ્છતા કે રાહુલ સફળ થાય. તેમની દરેક કોશિષ એવી જ હોય છે કે રાહુલ ગાંધીને કેમ કરીને નિષ્ફળ બનાવવા અને તે નેતૃત્વ છોડી દે.'' મુંબઇ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાહુલ ગાંધીના ખાસ સંજય નિરૂપમના છે આ શબ્દો.

''રાહુલ ગાંધીના કેટલાક મિત્રોજ કોંગ્રેસને બરબાદ કરી રહ્યા છે. કોંગ્રેસની અંદરજ કેટલાક અતૃપ્તઆત્મા છે. જે કયારે તૃપ્ત નથી થતા. કોંગ્રેસને જોખમ ભાજપાનું નહી પણ કેટલીક અંદરની વ્યકિતો તરફથી છે.'' આ શબ્દો છે આચાર્ય પ્રમોદ કૃષ્ણનના જે કોંગ્રેસના પ્રવકતા અને સોનિયા ગાંધીના નજીકના નેતા છે.

આ બે બયાનએ જણાવવા માટે પુરતા છે કે કોંગ્રેસની અંદર બધુ ઠીકઠાક નથી ચાલી રહ્યંુ પણ સોનિયા અને રાહુલના જૂથોમાં વહેચાઇ ગયો છે અને બન્ને જૂથોના નેતાઓ એકબીજા પર આક્ષેપ કરે છે. રાહુલના પ્રમુખ છોડવાથી અને સોનિયા ગાંધીના વચગાળા પ્રમુખ બન્યા પછી કોંગ્રેસમાં એ નેતાઓ નિર્ણાયક સ્થિતીમાં આવી ગયા છે. રાહુલના કાર્યકાળમાં મુખ્યધારાની બહાર થઇ ગયા હતા. આ સાથેજ રાહુલના નજીકના ગણાતા નેતાઓ પક્ષમાં પોતાને કપરી સ્થિતીમાં માની રહ્યા છે.

એક વાત એ પણ છે કે રાહુલે પોતાના કાર્યકાળમાં રાજયોમા નવુ નેતૃત્વ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો જેને જુના નેતાઓએ સ્વીકાર નહોતો કર્યો પરિણામે તેમને એક એક કરીને હટવાનો વારો આવ્યો હતો. પંજાબની ચૂંટણી સમયે કેપ્ટન અમરિંદરસિંહ સામે બાજવાથી શરૂ થયેલો આ સિલસિલો હરિયાણીની ચૂંટણીમાં હુડ્ડા સામે અશોક તંવરની પ્રમુખપદેથી હકાલપટ્ટી સુધી ચાલતો રહ્યો તંવરે તો છેવટે પક્ષ પણ છોડી દીધો. મુંબઇ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સંજયનિરૂપમે પણ પક્ષ છોડવાની ધમકી આપી છે.

પક્ષના એક સીનીયર નેતાનું કહેવું છે કે પક્ષમાં એક મોટું ડીવાઇડર તૈયાર થઇ ગયું છે પણ તેફકત બન્નેના સમર્થકો વચ્ચે છે. પરિવારમાં કોઇ પ્રકારનું અંતર નથી આ નેતાનું કહેવું છ ેકેે આખી લડાઇ સોનિયાના રાજકીય સચિવ અહમદ પટેલ અને રાહુલ ગાંધીના અહં વચ્ચેની છે જે વધી રહી છે.

(11:40 am IST)