મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

વિશ્વની દિગ્ગજ અમેરિકન કાર કંપની ફિયાટ ક્રાઈસ્લર અને ફ્રાન્સની PSA નું કરાશે મર્જર

વિશ્વની ચોથી સૌથી મોટી મૂલ્યવાન કાર કંપની અસ્તિત્વમાં આવશે

નવી દિલ્હી : દિગ્ગજ અમેરિકન-ઇટાલિયન કાર કંપની ફિયાટ ક્રાઇસ્લર અને પ્યૂજો તથા સિટ્રોએન બનાવતી ફ્રાન્સના કોર્પોરેટ ગ્રૂપ PSAની વચ્ચે મર્જરની મંત્રણા ચાલી રહી છે. બંને કંપનીઓએ આ મર્જર બાબતે માહિતી આપી હતી. જો આ મર્જર સંભવ થઇ જશે તો વિશ્વની ચોથી સૌથી મોટી મૂલ્યવાન કાર કંપની અસ્તિત્વમાં આવશે.

 ફિયાટ ક્રાઇસ્લર ઓટોમોબાઇલ્સે એ નિવેદનમાં પૃષ્ટિ કરી કે ચાલી રહેલી મંત્રણાનો ઉદ્દેશ્ય PSAની સાથે મળીને દુનિયાની દિગ્ગજ ઓટો કંપની બનવાનો છે. આવા પ્રકારનું નિવેદન PSAએ પણ આપ્યું છે. તેનાથી વધારે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

   આ ઘટનાક્રમથી સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, મર્જર બાદ અસ્તિત્વમાં આવનાર નવી કંપનીનું મૂલ્ય 50 અબજ ડોલર જેટલું હોઇ શકે છે. વધુમાં કહ્યું કે, નવી કંપનીમાં PSAના ચીફ એક્ઝિક્યુટિવ કાર્લોસ ટેવેરેસ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની શકે છે. તો ફિયાટના ચેરમેન જોન એલ્કાન નવી કંપનીમાં ચેરમેન બની શકે છે.

    સુત્રોએ કહ્યું કે, બંને કંપનીઓની વચ્ચે મંત્રણા ચાલી રહી છે પરંતુ એ વાતની કોઇ ખાતરી નથી કે બંનેની વચ્ચે સમજૂતી થઇ જ જશે. એક અહેવાલ અનુસાર ફિયાટના ડિરેક્ટર બોર્ડની આજે આકસ્મિક બેઠક યોજાઇ શકે છે. બંને કંપનીઓનું મર્જર થવાથી અલ્ફા રોમિયો, ક્રાઇસ્લર, સિટ્રોએન, ડોઝ, ડીએસ, જીપ, લાંસિયા, ઓપલ, પ્યૂજો અને વોક્સફોલ જેવી કાર બ્રાન્ડ એક જ કંપનીના છત્ર હેઠળ આવી જશે.

(12:00 am IST)