મુખ્ય સમાચાર
News of Wednesday, 31st October 2018

'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' માં ભારતે 23 ક્રમનો જોરદાર કૂદકો લગાવ્યો : 77મા સ્થાને પહોંચ્યું

વર્લ્ડ બેન્કની યાદી જાહેર ;છેલ્લા બે વર્ષમાં ભારતે 30 પોઈન્ટનો સુધારો કર્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ બેન્ક દ્વારા 'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' (એટલે કે વ્યવસાય કરવા માટે અનુકૂળ દેશ)ની વર્ષ 2018ની યાદી બહાર પડાઈ છે જેમાં ભારતે 23 ક્રમનો હનુમાન કૂદકો માર્યો છે. ભારત સમગ્ર વિશ્વના 190 દેશોમાં 77મા ક્રમે આવી પહોંચ્યું છે.

 વર્ષ 2017માં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની યાદીમાં ભારત 100મા ક્રમે હતું. વર્ષ 2018માં વર્લ્ડ બેન્ક દ્વારા બહાર પડાયેલી યાદીમાં ભારત 23 ક્રમનો સુધારો કરીને સીધું 77મા ક્રમે આવી પહોંચ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભારતના રેન્કિંગમાં 53 ક્રમનો સુધારો થયો છે. 

 વિશ્વ બેન્ક દ્વારા ગયા વર્ષે બહાર પડાયેલા રેન્કિંગમાં ભારતે 30 પોઈન્ટનો સુધારો કર્યો હતો અને 100મા ક્રમે આવી ગયું હતું. નરેન્દ્ર મોદી સરકારના 2014માં સત્તામાં આવી ત્યારે ભારતનું રેન્કિંગ 142 હતું. પીએમ મોદી આગામી વર્ષોમાં ભારતને વિશ્વનાં ટોચનાં 50 દેશમાં સામેલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

(9:01 pm IST)