મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક 9 કલાક ચાલી: લશ્કરી વિવાદ ઉકેલવા માટે વાતચીત

બંને પક્ષોએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા કરી

નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની 12મા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. આ વાટાઘાટો માટેની બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખામાં ચીની બાજુ ઓલ્ડી ખાતે સાંજે 7.30 વાગ્યે થઈ હતી. એએનઆઈએ સેનાના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, વાતચીત લગભગ 9 કલાક સુધી ચાલી હતી. બેઠકમાં બંને પક્ષોએ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચાલી રહેલા લશ્કરી વિવાદને ઉકેલવાના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ભારત લાંબા સમયથી એલએસી પર એપ્રિલ 2020થી યથાવત સ્થિતિને પુન:સ્થાપિત કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યીને દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન એક કલાક લાંબી બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, એલએસી પર યથાવત સ્થિતિમાં કોઈ એકપક્ષીય ફેરફાર સ્વીકાર્ય નથી.અને પૂર્વીય લદ્દાખમાં શાંતિની સંપૂર્ણ પુન:સ્થાપના પછી જ સંબંધો સંપૂર્ણ રીતે વિકસી શકે છે.

અગાઉ મે મહિનામાં આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સંઘર્ષના તમામ બિંદુઓથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછો ખેંચ્યા વિના પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરી શકાતો નથી અને ભારતીય સેના આ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તાજેતરમાં એવા અહેવાલો બહાર આવ્યા હતા કે, ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં અનેક સ્થળોએ LACને ફરી પાર કરી છે. જોકે સેનાએ આ સમાચારને ફગાવી દીધા હતા.

(10:50 pm IST)