મુખ્ય સમાચાર
News of Sunday, 31st May 2020

દેશમાં સાત લાખથી વધુ નાની દુકાનોના શટર પડી ગયા

લોકડાઉનની નાની દુકાનો પર વિપરિત અસર : પૈસાની અછત અને દુકાન માલિકો પોતાના ગામમાં પાછા ગયેેલા ૬ લાખ જેટલી કિરાણા દુકાનો બંધ થઈ ગઈ

નવી દિલ્હી, તા. ૩૧ : દેશના જાણીતા કન્ઝયુમર ગુડ્સ કંપનીઓએ કહ્યું હતું કે, લોકડાઉનમાં પૈસાની અછત અને દુકાન માલિકો પોતાના ગામમાં પાછા જતા રહેલા ૬ લાખ જેટલી કિરાણા દુકાનો બંધ થઈ ગઈ. તેમને ડર છે કે તેમાંથી મોટાભાગની  દુકાનો હવે ફરીથી નહીં ખૂલે. લોકડાઉનની અસર સ્માર્ટફોન સેક્ટરમાં પણ જોવા મળી. ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના અંદાજ મુજબ, ૧૫ લાખ દુકાનોમાંથી ૬૦ ટકા દુકાનો લોકડાઉનમાં અપાયેલી છૂટછાટો બાદ ફરીથી ખુલી નથી. ઇન્ડસ્ટ્રીના લોકોનું કહેવું છે કે, નાની દુકાનો પર આવી અસર થવા પાછળનું એક કારણ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ છે જે હવે કેશમાં જ ડિલ કરે છે અને પહેલાની જેમ ૭ થી ૨૧ દિવસના ક્રેડિટની પણ સુવિધા નથી આપતા. ઈન્ડસ્ટ્રીને ડર છે કે આ બંધ થતી દુકાનો માર્કેટને રિક્વર થવામાં વધારે સમય લગાડી શકે છે. પારલે પ્રોડક્ટ્સે કહ્યું, અંદાજે ૫૮ લાખ નાની કિરાણા સ્ટોર્સ જે ઘર અથવા રોડના કોર્નર પરથી ચા, પાન વેચતી હતી. તેમાંથી ૧૦ ટકા દુકાનો એપ્રિલ અને મે મહિનામાં બંધ થઈ ગઈ છે. પારલેના કેટેગરી હેડ બી. ક્રિષ્ના રાવએ કહ્યું, ડિસ્ટ્રીબ્યુટર્સે આવા દુકાન માલિકો પાસેથી પૈસા ગુમાવી દીધા છે. મોટાભાગની દુકાનો કાયમ માટે બંધ થઈ ગઈ છે. દુકાનોના માલિક ગામડે પાછા જતા રહેલા ૧-૨ ટકા દુકાનો બંધ થઈ ગઈ છે અને આગામી ૫-૬ મહિનાઓ માટે તે બંધ રહી શકે છે. જો કે તેમાંથી કેટલીક દુકાનો ખુલી શકે છે, પરંતુ તેમ છતાં બંધ દુકાનોની અસર કંપનીને થશે. બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ કહ્યું,'મોટાભાગની દુકાનો થોડા સમય માટે બંધ છે અને એકવાર લોકડાઉન ઉઠાવી લેવાશે તો તેઓ ફરીથી પાછી ખુલી જશે. જો કે તેમ છતાં કેટલીક કરિયાણાની દુકાનો લાંબા સમય માટે બંધ રહી શકે છે.' ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટ્સના સીઈઓ સુનિલ કટારિયા પણ માને છે કે દુકાનો ટેમ્પરરી બંધ થઈ છે, પરંતુ તે કેટલા સમય માટે બંધ રહેશે તે અચોક્કસ છે. તેઓ કહે છે, શહેરોમાં કોવિડ-૧૯ને કેવી રીતે કાબુમાં રાખવામાં આવે છે તેની અસર આ દુકાનોના ખુલવા પર પડશે. જે તેમને સેફ્ટી અને દુકાન ચલાવવા માટે મળતા મજૂરોની સમસ્યા દૂર કરશે. ભારતમાં આશરે ૧૦-૧૨ મિલિયન નાની રિટેઈલ દુકાનો છે જે ગ્રોસરી છે અને અન્ય વસ્તુઓ વેચે છે, તેમાંથી મોટાભાગની અંતરિયાળ ભાગમાં સ્થિત છે. આવી જ સ્થિતિ સ્માર્ટફોન માર્કેટની છે. AIMRA ના પ્રેસિડેન્ટ અરવિન્દર ખુરાના કહે છે, કેટલાક દુકાન માલિકોને પૈસાની તંગી સર્જાઈ છે. ૧૫૦૦૦ના સેગમેન્ટના બ્રાન્ડ્સ તરફથી ખૂબ ઓછો માલ, ગ્રાહકો ન આવવાના કારણે પણ આ મુશ્કેલી સર્જાઈ છે. આવી સમસ્યાઓમાં દુકાનો ચાલુ રાખવાનો ખર્ચ વધી જાય છે. પરિણામે હજારો દુકાનો કાયમ માટે બંધ થઈ શકે છે.

(8:10 pm IST)