કોરોનાનો શિકાર વિશ્વની પહેલી વ્યક્તિ વુહાનની 57 વર્ષીય મહિલા : ઝીંગા માછલી વેચતી એ પેશન્ટ ઝીરો 'તાળાબંધી' માટે નિમિત્ત બની
પેશન્ટ ઝીરો વેઈ ગુઝિયાનની એક મહિનો સારવાર બાદ એકદમ સાજી થઇ ગઈ છે
નવી દિલ્હી : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે સમગ્ર વિશ્વ હાલ તાળાબંધી ભોગવી રહયો છે દુનિયાના રસ્તાઓ સૂમસામ છે, બજારો બંધ છે, ચારેબાજુ મોતનો સન્નાટો છે, દરેક જણ ખૌફમાં જીવવા માટે મજબુર થઈ ગયા છે. વુહાનથી નિકળેલા જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ લીધા છે. પણ તે પહેલો વ્યક્તિ કોણ હતો જે કોરોના વાયરસથી સંક્રમિત થયો હતો.
કોરોના વાયરસે દુનિયા પર જાણે તાળું મારી દીધુ છે. લોકો દુનિયાના અલગ અલગ ખૂણામાં છે પરંતુ કોરોનાનો ખૌફ એકજેવો જ છે. કોરોના વાયરસનો હજુ કોઈ યોગ્ય તોડ મળ્યો નથી પરંતુ ચાઈનાએ એ જરૂર જાણી લીધુ છે કે સૌથી પહેલા આ વાયરસના લક્ષ્ણ ક્યાં અને કોનામાં મળ્યા હતાં. દુનિયામાં કોરોનાએ સૌથી પહેલા પોતાનો શિકાર ચીનના વુહાનમાં 57 વર્ષની એક મહિલાને બનાવ્યો હતો. જે વુહાનના સીફૂડ માર્કેટમાં ઝીંગા માછલી વેચતી હતી. વેઈ ગુઝિયાનને પેશન્ટ ઝીરો ગણવામાં આવે છે. પેશન્ટ ઝીરો એ દર્દીને કહે છે જેનામાં સૌથી પહેલા કોઈ બીમારીના લક્ષ્ણો જોવા મળે છે. અહીં તમારે એ જાણવું ખુબ જરૂરી છે કે કોરોના પોઝિટિવ થયા બાદ એક મહિના સુધી આ મહિલાની સારવાર ચાલતી રહી અને ત્યારબાદ તે એકદમ સાજી પણ થઈ ગઈ. ગત વર્ષ 31 ડિસેમ્બરના રોજ વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમિશને આ મહિના વેઈ ગુઝિયાનનું નામ જાહેર કર્યું હતું.