મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

મોત તારી નિષ્‍ફળતા ઘડીભર જોઇ લે, કેટલા હૈયે સ્‍મરણ મારા બિછાવી જાઉ છું

અકિલાના તંત્રી અજિતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેનનું પરલોકના પંથે પ્રયાણ

વીણાબેનની ચિરવિદાયથી ગણાત્રા પરિવાર, અકિલા પરિવારમાં શોકનો સાગર: સ્‍વ. વીણાબેનની અંતિમયાત્રા આજે સાંજે ૫ વાગ્‍યે ગણાત્રા પરિવારના નિવાસ સ્‍થાન ‘અકિલા', સદર મોટી ટાંકી પાસેથી નીકળશેઃ મુક્‍તિધામ રામનાથપરા ખાતે અંતિમ સંસ્‍કાર

રાજકોટ તા. ૩૧ : આજના મંગળવારના સૂરજે અકિલા પરિવાર અને ગણાત્રા પરિવાર માટે અત્‍યંત અમંગળ દિવસ ઉગાળ્‍યો છે. અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતિ વીણાબેન (ઉ. ૭૦)નું આજે લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન થતાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. શહેરની સુપ્રસિધ્‍ધ સિનર્જી હોસ્‍પિટલ ખાતે તેઓ છેલ્લા કેટલાય દિવસથી કિડની સહિતની બિમારીની સારવાર હેઠળ હતા. કમનસીબે સઘન સારવાર કારગત ન નિવડતા આજે બપોરે તેમનો જીવનદિપ બુઝાય ગયો છે.

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગુણવંતરાય ગણાત્રા, જલારામ જ્‍યોતના તંત્રી શ્રી સુરેશભાઇ ગણાત્રા અને રાજેશભાઇ ગણાત્રાના ભાભી શ્રીમતિ વીણાબેન અજિતભાઇ ગણાત્રા તે અકિલાના એકઝીક્‍યુટીવ એડિટર નિમીષ ગણાત્રાના કાકીએ દુનિયાને અલવિદા કરી છે. તેઓ શ્રીમતિ મીનાબેન હરિશભાઇ ચગ, શ્રીમતિ ભારતીબેન લલીતભાઇ સવજાણી, શ્રીમતિ ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા તથા શ્રીમતિ સ્‍મિતાબેન સુનિલભાઇ રાયચુરાના ભાભી હતા.

સ્‍વર્ગસ્‍થ વીણાબેન ખૂબ માયાળુ, લાગણીશીલ અને પરોપકારી સ્‍વભાવના હતા. તેઓ હનુમાનજી મહારાજના પરમ ઉપાસક હતા. ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ ધરાવતા હતા. તેઓ શ્રીજી ચરણમાં સમાય જતા ગણાત્રા પરિવાર, અકિલા પરિવાર તેમજ સગા સંબંધીઓ માટે દુઃખની અત્‍યંત કપરી વેળા આવી છેપરિવાર જેનું મંદિર હતુ, સ્‍નેહ જેની શકિત હતી, પરિશ્રમ જેનું કર્તવ્‍ય હતુ, પરમાર્થ જેની ભકિત હતી એવા વીણાકાકીની વસમી વિદાયથી કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

 

(3:08 pm IST)