મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

૩ દિ'માં ૨૯,૪૫,૭૨,૩૯,૦૦,૦૦૦ સ્‍વાહા : ટોપ ટેનમાંથી બહાર

હિંડનબર્ગે અદાણીની દુનિયા હલાવી : ત્રણ દિવસથી ગ્રુપના શેર્સ ધબાય નમઃ : ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપમાં ૨૯ ટકાનું નુકશાન : અદાણીની એશિયામાં નંબર-૧ની ખુરશી પણ ખતરામાં

નવી દિલ્‍હી, તા.૩૧: અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના પાયા હલાવી દીધા છે. ત્રણ દિવસથી ગ્રુપ કંપનીઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આનાથી જૂથને $૬૫ બિલિયનનો ફટકો પડયો છે. ઉપરાંત, ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમા  $૩૬.૧ બિલિયન (લગભગ રૂ. ૨૯,૪૫,૭૨,૩૯,૦૦,૦૦૦)નો મોટો ઘટાડો થયો છે. આ સાથે અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૧મા નંબરે સરકી ગયા છે. બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઇન્‍ડેક્‍સ અનુસાર, તે $૮૪.૪ બિલિયન થયુ છે. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પહેલા અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે હતા. હિંડનબર્ગ રિસર્ચે ગયા અઠવાડિયે બુધવારે એક અહેવાલમાં દાવો કર્યો હતો કે અદાણી જૂથ દાયકાઓથી સ્‍ટોકની હેરાફેરી અને એકાઉન્‍ટ ફ્રોડમાં સામેલ છે. જો કે, અદાણી ગ્રૂપે આ અહેવાલને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્‍યો છે અને કહ્યું છે કે તેને FPO સમક્ષ બદનામ કરવાનું કાવતરું છે.

સોમવારે સતત ત્રીજા દિવસે અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીઓમાં ઘટાડો નોંધાયો હતો. ગ્રૂપની ૧૦માંથી સાત કંપનીઓ ખોટ સાથે બંધ થઈ હતી. આમાંથી પાંચ કંપનીઓના શેર નીચલી સર્કિટને સ્‍પર્શ્‍યા હતા. અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટ્રાન્‍સમિશન ૧૪.૯૧ ટકા, અદાણી વિલ્‍મર, અદાણી પાવર અને એનડીટીવી પાંચ ટકા ઘટયા હતા. અદાણી પોર્ટ્‍સનો શેર ૦.૨૯ ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ, જૂથની મુખ્‍ય કંપની અદાણી એન્‍ટરપ્રાઇઝ ૪.૨૧ ટકા, ACC ૧.૧૦ ટકા અને અંબુજા સિમેન્‍ટ્‍સ ૧.૬૫ ટકા વધ્‍યા હતા.

આ રીતે, અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ત્રણ દિવસમાં $૬૫ બિલિયન એટલે કે ૨૯% ઘટી ગયું છે. ગયા અઠવાડિયે બુધવારે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્‍યા હતા. તે દિવસે ગ્રુપ કંપનીઓમાં ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. ત્‍યારબાદ શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હતો. સોમવારે અદાણીની નેટવર્થમાં $૮.૨૧ બિલિયનનો ઘટાડો થયો હતો. અદાણીએ ગયા વર્ષે $૪૪ બિલિયનની કમાણી કરી હતી અને તે સૌથી વધુ કમાણી કરનાર અમીર હતા. પરંતુ આ વર્ષે તેણે ૩૬.૧ બિલિયન ડોલર ગુમાવ્‍યા છે અને તે આ વર્ષે સૌથી વધુ ગુમાવનાર છે

એશિયા અને ભારતમાં અદાણીની નંબર વન રિચ ચેર જોખમમાં છે. રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમને ગમે ત્‍યારે પછાડી શકે છે. બ્‍લૂમબર્ગ બિલિયોનેર ઇન્‍ડેક્‍સ અનુસાર, અંબાણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ૧૨મા ક્રમે છે અને એશિયામાં બીજા ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ $૮૨.૨ બિલિયન છે. હવે અદાણી અને અંબાણીની નેટવર્થમાં માત્ર $૨.૨ બિલિયનનો જ તફાવત છે. સોમવારે અંબાણીની કુલ સંપત્તિમાં ઼૮૦૯ મિલિયનનો વધારો થયો છે. જો કે, આ વર્ષે તેમની નેટવર્થમાં $૪.૯૬ બિલિયનનો ઘટાડો થયો છે.

ટોપ ૧૦માં કોણ છે

ફ્રાન્‍સના ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્‍ટ ૧૮૯ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં પ્રથમ ક્રમે છે. ટેસ્‍લા, સ્‍પેસએક્‍સ અને ટ્‍વિટરના માલિક એલોન મસ્‍ક, $૧૬૦ બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. એમેઝોનના જેફ બેઝોસ ($૧૨૪ બિલિયન) ત્રીજા, માઈક્રોસોફ્‌ટના સ્‍થાપક બિલ ગેટ્‍સ ($૧૧૧ બિલિયન) ચોથા, સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફેટ ($૧૦૭ બિલિયન) પાંચમા, લેરી એલિસન ($૯૯.૫ બિલિયન) છઠ્ઠા, લેરી પેજ ($૯૦ બિલિયન) સાતમા, સ્‍ટીવ બાલ્‍મર ($૮૬ બિલિયન).) આઠમા, સેર્ગેઈ બ્રિન ($૮૬.૪ બિલિયન) નવમા અને કાર્લોસ સ્‍લિમ ($૮૫.૭ બિલિયન) દસમા નંબરે છે.

(11:21 am IST)