મુખ્ય સમાચાર
News of Tuesday, 31st January 2023

રાહુલ ગાંધીએ તો હમણા યાત્રા યોજી હતી પણ પીએમ નરેન્દ્ર મોદીએ તો 1991માં શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતોઃ અનુરાગ ઠાકુરે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સોમવારે શ્રીનગરમાં સમાપન થયું હતુઃ યાત્રા પૂર્ણ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો

શ્રીનગરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સોમવારે શ્રીનગરમાં સમાપન થયું હતું. યાત્રા પૂર્ણ થવાના એક દિવસ પહેલાં રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ પર તીખો પ્રહાર કરતા ભાજપના અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ તો હમણા યાત્રા યોજી હતી પણ પીએમ નરેન્દ્ર મોદીએ તો 1991માં શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. રાહુલ ગાંધીએ તેમની યાત્રાને નફરત સામે મહોબ્બતનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની હિંમત નથી કે તેઓ આ રીતે યાત્રા યોજી શકે. જેના જવાબમાં ઠાકુરે કોંગ્રેસને તીખા ચાબખા મારીને કહ્યું હતું કે, રાહુલ ગાંધી તો હવે યાત્રા યોજી રહ્યા છે પણ નરેન્દ્ર મોદીએ તત્કાલીન ભાજપ નેતા મુરલીમનોહર જોશીના નેતૃત્વમાં 1991માં લાલચોક પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ યાત્રાનું આયોજન મોદીએ જ કર્યું હતું.

ભાજપના સુધાંશુ ત્રિવેદીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસની યાત્રા અનેક વિડંબનાઓથી ભરપૂર હતી જેમાં બીફ ખાનારા નેતાઓ જોડાયા હતા. નિષ્ફળ નેતા રાહુલ ગાંધીએ કમલ હાસનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. કોંગ્રેસની યાત્રા કોઈ હેતુ વિનાની નિષ્ફ્ળ રહી છે. તેમાં અરાજક તત્ત્વો જોડાયા હતા. કોઈ વિપક્ષી નેતા જોડાયા ન હતા.

રાહુલે આક્ષેપ કર્યો હતો કે મને કાશ્મીરમાં યાત્રા ન યોજવા અનેક ભય દર્શાવવામાં આવ્યા હતા, આમ છતાં મેં યાત્રા ચાલુ રાખી હતી. ભાજપમાં હિંમત હોય તો મારું સફેદ ટીશર્ટ લાલ કરી બતાવે. જમ્મુના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો.

(1:09 am IST)