મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

ઓમિક્રોનના ફફડાટથી ફરી એકવાર ટૂર ઓપરેટરોને મોટો ફટકોઃ યૂરોપ-દ.આફ્રિકાની અનેક ટૂર કેન્સલ કરવી પડી

સુરતથી હીરાના વેપારીઓ પણ વેપાર અર્થે યૂરોપ સહિતના દેશોમાં જતા હોય છેઃ આવા વેપારીઓ પણ વર્તમાન સ્થિતિને જોતા ટૂર કેન્સલ કરાવી રહ્યા છે

નવી દિલ્હી, તા.૩૦: કોરોનાના નવા ઓમિક્રોન વાયરન્ટે ફરી ટૂર ઓપરેટરોને મોટો ફટકો પહોંચાડ્યો છે. ખાસ કરીને યૂરોપ અને આફ્રિકાના દેશોમાં ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટુ નુકસાન પહોંચી રહ્યું છે.  કારણ કે આ દેશોમાં ટૂરનું બુકીંગ કરાવનારા પ્રવાસીઓ ટૂર કેન્સલ કરાવી રહ્યા છે.

કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટની સીધી અસર વિદેશની ટૂરનું આયોજન કરતા ઓપરેટરોને થઇ છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની ટૂરનું આયોજન કરનારા ટૂર ઓપરેટરોને મોટો ફટકો પડ્યો છે. એકલા દક્ષિણ ગુજરાતમાં જ ૨૫ હજાર લોકોએ ટુર પેકેજ કેન્સલ કરાવ્યા છે.આ કેન્સલ કરાવાયેલા ટુર પેકેજની કિંમત ૩૫ કરોડની થવા જાય છે. કુલ ૧૨૫૦ જેટલા ટૂર પેકેજ કેન્સલ થયા છે. જે ટૂર પેકેજ કેન્સલ થયા તેમાંથી મોટાભાગના યુરોપના હતા. અને મોટાભાગના હનીમૂન પેકેજ હતા.

ટૂર ઓપરેટરો પાસે યુરોપમાં સ્વિત્ઝરલેન્ડ, નેધરલેન્ડ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રીયા, પોલેન્ડ જેવા દેશોની ટૂરના પેકેજ હોય છે. આ પેકેજ અઢી લાખ રૂપિયાથી શરૂ થતા હોય છે જયારે સાઉથ આફ્રિકામાં દ્યાના, ઝીમ્બાબ્વે, તાન્ઝાનિયા જેવા દેશોના ટુર્સ પેકેજ હોય છે. આ ટૂર પેકેજ રૂ. ૧ લાખથી શરૂ થતા હોય છે. હવે આ સ્થળો પર ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. યુરોપ કે સાઉથ આફ્રિકામાં ફસાયેલા સુરતીઓ હવે વાયા દુબઈ કે શારજહા થઈને પરત આવી રહ્યા છે.

(3:48 pm IST)