મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

યુપીના એ મુખ્યમંત્રી ભારતીય રાજનીતિના ટ્રેજેડી કિંગ કહેવાતા

તે સમયે નારા લાગતા હતા 'રાજા નહિ ફકીર હૈ, દેશ કી તકદીર હૈ'

લખનઉ, તા. ૩૦ :. યુપીના ઈતિહાસમાં એક એવા મુખ્યમંત્રીને યાદ રાખવામાં આવે છે જે ભારતીય રાજનીતિના ટ્રેજેડી કિંગ કહેવાય ગયા. તેમણે દેશની લગભગ ૫૦ ટકા પ્રજાના હક્ક માટે કામ કર્યુ તેમ છતાં તેમને યુવાનો તરફથી સૌથી વધુ નફરત મળી.

વાત થઈ રહી છે વિશ્વનાથ પ્રતાપસિંહની જેમણે દેશમાં અધર બેકવર્ડ કલાસ (ઓબીસી) માટે અનામત લાગુ કરી હતી. તેમના નામ સાથે આજે પણ મંડલ આયોગ જોડાયેલુ છે. એ વાત અલગ છે કે દેશ અને પ્રદેશની રાજનીતિ આજે પણ મંડલ અને કમંડલ આસપાસ ઘુમી રહી છે.

ઓગષ્ટ ૧૯૯૦માં તત્કાલીન પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહે કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૨૭ ટકા ઓબીસી કવોટા લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ત્યાર બાદ તેમના સલાહકારો અને નજીકના વિચારકો સાથે ખુદ તેમનું અનુમાન ખોટુ પડયુ હતું અને તેમની સરકાર ઉથલી ગઈ હતી.

સામાન્ય રીતે પૂર્વ પ્રધાનમંત્રી વી.પી. સિંહના ટીકાકારો મંડલ રીપોર્ટ ઉપર તેમના નિર્ણયને ઉતાવળભર્યો ગણાવે છે. કહેવાય છે કે આ નિર્ણયનુ એક માત્ર કારણ તેમના અને ડેપ્યુટી પ્રધાનમંત્રી દેવીલાલ વચ્ચેના મતભેદો હતા. પાર્ટીના સાંસદોનું સમર્થન મેળવવા માટે મંડલ રીપોર્ટને લાગુ કરવો પૂર્વ પીએમ વી.પી. સિંહની મજબૂરી બની ગઈ હતી.

વી.પી. સિંહે રાજીવ ગાંધીના વિરોધમાં દેશમાં માહોલ ઉભો કર્યો હતો. વી.પી. રાજઘરાનામાંથી આવતા હતા, પરંતુ તેઓ હંમેશા ગરીબોના નેતા તરીકે સ્વીકાર્ય બન્યા હતા. તે વખતે નારા લાગતા હતા 'રાજ નહિ ફકીર હૈ, દેશ કી તકદીર હૈ'. કોંગ્રેસ પાર્ટીમાંથી જ વી.પી. સિંહ ૧૯૮૦માં યુપીના મુખ્યમંત્રી બન્યા હતા. એ વખતે યુપીમાં ડાકુઓનો ખૂબ આતંક હતો. આ આતંક ખતમ કરી દેવાનો તેમણે વાયદો કર્યો હતો અને જો તેમના વાયદામાં તેઓ નિષ્ફળ રહે તો રાજીનામુ આપી દેવાની ચેલેન્જ કરી હતી. દુર્ભાગ્યવશ તેમના ન્યાયાધીશ ભાઈને જ ડાકુઓએ મારી નાખ્યા હતા. જો કે તે ઘટના અજાણતા બની હતી છતા વી.પી. સિંહે તેમનુ બોલ્યુ પાળતા તાત્કાલીક રાજીનામુ આપી દીધુ હતું.  

૨૫ જૂન ૧૯૩૧ના ઈલ્હાબાદમાં વી.પી. સિંહનો જન્મ થયો હતો. તેમનુ ભણતર ઈલ્હાબાદ અને પૂનામાં પુરૂ થયુ હતું. તેમની એકેડેમીક કારકિર્દી ઉત્તમ હતી. વી.પી. સિંહ વૈજ્ઞાનિક બનવા માંગતા હતા પરંતુ પાછળથી રાજનીતિમાં આવી ગયા હતા. ૧૯૪૭-૪૮માં બનારસની યુપી કોલેજમાં યુનિયન પ્રેસિડેન્ટ રહી ચૂકયા હતા. ઈલ્હાબાદમાં યુનિવર્સિટીમાં પણ તેઓ વિદ્યાર્થી અગ્રણી હતા. પછી ૧૯૫૭માં ભુદાન આંદોલનમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. આ કારણોસર તેમને પારીવારિક વિવાદનો સામનો પણ કરવો પડયો. ૧૯૬૯માં તેઓ પહેલી વખત યુપી વિધાનસભામાં ચૂંટાયા. ૧૯૭૧માં તેઓ સંસદ સભ્ય બન્યા અને ૧૯૭૪માં કોમર્સ મીનીસ્ટ્રીમાં જુનીયર મિનીસ્ટર બન્યા.

(2:50 pm IST)