મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

ન રણનીતિમાં તાલમેલ અને ન મળ્યા સૂર ઃ સત્રના પ્રથમ દિવસે વિપક્ષી એકતા દુર્લભ થઇ

TMCએ ગેરહાજર રહી મચાવ્યો ખળભળાટ

નવી દિલ્હી તા. ૩૦ : સંસદના શિયાળુ સત્રમાં ખેડૂત, મોંઘવારી, બેરોજગારી અને ચીનના મુદ્દાઓ પર સરકારને ઘેરતા પહેલા જ વિપક્ષોમાં તિરાડ પડી ગઇ છે. કોંગ્રેસની વિપક્ષી એકતા માટેની તમામ કોશિષો છતાં ટીએમસી વિપક્ષી મીટીંગમાં નથી જોડાઇ. સદનની અંદર પણ બન્ને પક્ષોની રણનીતિમાં કોઇ તાલમેલ જોવા નથી મળ્યો. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવાયેલ બેઠકમાં ટીએમસીની ગેરહાજરીને કોંગ્રેસ સાથે બગડતા સંબંધો તરીકે જોવામાં આવી રહી છે. કેમકે ગોવા, આસામ અને મેઘાલયમાં કોંગ્રેસના કેટલાય નેતાઓને તોડવાથી કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચે અંતર વધી ગયું છે. તો સપા, બસપા અને આમ આદમી પાર્ટી (આપ)એ પણ આ બેઠકથી અંતર રાખતા નવા સવાલો ઉંભા થયા છે. જોકે બસપા બાબતે તો પહેલા પણ જોવા મળ્યું છે કે તે અલગ જ રહે છે પણ સપા અને આપ પાછલા સત્રો દરમિયાન વિપક્ષી એકતામાં સાથે દેખાતા હતા.
લોકસભામાં પણ કોંગ્રેસ અને ટીએમસીની રણનીતિ અલગ અલગ હતી. કૃષિ કાનૂનોને પાછા ખેંચવાના પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ ચર્ચાની માંગણી કરી રહી હતી. જ્યારે ટીએમસીના સભ્યો એમએસપી કાયદો બનાવવાની માંગણી કરી રહ્યા હતા. તો ટીઆરએસના સભ્યો પણ અલગ હંગામો કરી રહ્યા હતા.

 

(11:12 am IST)