મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

NDTVના પ્રમોટર પ્રણય અને રાધિકા રોય પર સેબીએ ૨ વર્ષનો પ્રતિબંધ લાદયો

મુંબઈ, તા.૩૦: ભારતીય સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ (SEBI) એ NDTVનાં પ્રમોટરો પ્રણય રોય અને રાધિકા રોયને સિકયોરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂકયો છે. ઇનસાઇડર ટ્રેડિંગમાં સંકળાયેલા હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. સેબીએ બંનેને ૧૨ વર્ષ પહેલા ઇનસાઇડર ટ્રેડિંગ પ્રવૃત્તિઓથી ગેરકાયદેસર રીતે કમાયેલા રૂ .૧૬.૯૭ કરોડ પાછા આપવાનું પણ કહ્યું છે.

આ ઉપરાંત નિયમનકારે અન્ય સાત વ્યકિતઓ અને સંસ્થાઓ પર પણ એકથી બે વર્ષના સમયગાળા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આમાંના કેટલાકને અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતીથી ઇનસાઇડર ટ્રેડિંગ દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર કમાણીને પરત કરવા કહેવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૦૬ થી જૂન ૨૦૦૮ દરમિયાન કંપનીનાં શેરના ટ્રેડિંગની તપાસ કર્યા પછી સેબીએ આ પગલું ભર્યું છે. સેબીને જણાયું કે આ સમયગાળા દરમિયાન ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત અનેક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

સેબીએ કહ્યું કે સંબંધિત વ્યકિતઓ અને સંસ્થાઓ એકલા અથવા સાથે મળીને રકમ ચૂકવી શકે છે. તેઓએ આ રકમ ૧૭ એપ્રિલ, ૨૦૦૮ થી ચૂકવણીની તારીખ સુધીના છ ટકાના વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. સેબીએ શુક્રવારે જારી કરેલા ત્રણ અલગ આદેશોમાં જણાવ્યું હતું કે આ તમામ એકમોએ ઇનસાઇડર ટ્રેડિંગનાં પ્રતિબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

સેબીને તપાસમાં જણાયું કે પ્રણય રોય અને રાધિકા રોયે ગેરકાયદેસર રીતે નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV) માં ભાવ અંગે સંવેદનશીલ માહિતી જાણનારા પ્રણવ રોય અને રાધિકા રોય ઇનસાઇડર ટ્રેડિંગ કરીને ખોટી રીતે ૧૬.૯૭ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી, પ્રણય રોય તે સમયે કંપનીના ચેરમેન અને ફુલ-ટાઇમ ડિરેકટર હતા. રાધિકા રોય આ સમયગાળા દરમિયાન કંપનીના મેનેજિંગ ડિરેકટર હતા.

(3:40 pm IST)