મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

હોમ લોન આપતી વખતે ગીરો લીધેલા પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ જાય તો બેન્ક જવાબદાર : લોન ભરપાઈ થઇ ગયા પછી 15 દિવસમાં દસ્તાવેજ પાછા આપી દેવા બેન્ક બંધાયેલી છે : અરજદારને દસ્તાવેજ ખોવાઈ ગયા હોવાનું સર્ટિફિકેટ આપવું : તેમજ કોર્ટ ખર્ચ ઉપરાંત એક લાખ રૂપિયાનું વળતર ચૂકવી દેવાનો સર્વોચ્ચ અદાલતનો બેન્કને આદેશ

બેન્કમાંથી 10 વર્ષ પહેલા ફ્લેટ ખરીદવા માટે લીધેલી લોન 3 માસ પહેલા ભરપાઈ કરી દેનાર ગ્રાહકે પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજ  પાછા માગ્યા હતા.
પરંતુ તમે લોન લેતી વખતે દસ્તાવેજ આપ્યા જ નથી તેવો બેંકે જવાબ આપતા ગ્રાહક માટે મોટી મૂંઝવણ ઉભી થઇ હતી કારણકે ફ્લેટ પોતાની માલિકીનો છે તે બાબત દસ્તાવેજ વિના પુરવાર  થઇ શકે નહીં.

આથી ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યાં જણાવાયું હતું કે હકીકતમાં બેંકે દસ્તાવેજ ખોઈ નાખ્યા લાગે છે. તેથી તે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે દસ્તાવેજ આપ્યા નથી તેવું બહાનું કાઢે છે. પરંતુ  દસ્તાવેજ ગીરો લીધા વિના બેન્ક લોન કઈ રીતે આપી શકે ? ઉપરાંત લોન આપતી વખતે ક્યા દસ્તાવેજો લીધા તેનું લિસ્ટ બેંકે ગ્રાહકને આપવું જોઈએ.આ લિસ્ટમાં પ્રોપર્ટીનો દસ્તાવેજ શામેલ હોય જ .તેથી આ લિસ્ટ બેન્કને આપી દસ્તાવેજ પાછા માંગવા જણાવાયું હતું.

અરજદારે આવો બીજો કોઈ કેસ હોય તો તે અંગે જણાવવા વિનંતી કરતા ગ્રાહક કોર્ટે એસબીઆઈ વિરુદ્ધ વલ્લુ સૌજન્યનો કેસ ટાંક્યો હતો.જેમાં બેંકે એવો બચાવ કર્યો હતો કે તમે લોન લેતી વખતે  અસલ દસ્તાવેજ 14 દિવસમાં બેન્કને પહોંચાડી દેશો તેવું વચન આપ્યા પછી દસ્તાવેજ પહોંચાડ્યા નહોતા.તેથી ગ્રાહકે લોન એગ્રીમેન્ટનો આધાર આપ્યો હતો જેમાં પ્રોપર્ટીના દસ્તાવેજ ગીરો રાખીને લોન આપ્યાનો ઉલ્લેખ હતો.જેના આધારે ડીસ્ટ્રીકટ તથા સ્ટેટ  કન્ઝયુમર કોર્ટે ગ્રાહકને 50 હજાર રૂપિયા તથા એડવોકેટ ફી દસ હાજર રૂપિયા ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો.

ઉપરોક્ત ચુકાદાને ધ્યાનમાં લઇ સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે અરજદારે દસ્તાવેજ બેંકમાં જમા કરાવ્યો છે.જે બેંકે ખોઈ નાખ્યો છે.આથી બેંકે અસલ દસ્તાવેજ તેઓથી ખોવાઈ ગયો છે તેવું સર્ટિફિકેટ  આપવાનો બેન્કને હુકમ કર્યો હતો તથા ગ્રાહક કોર્ટનો ખર્ચ ચૂકવી દેવા અને અસલ દસ્તાવેજ ન હોવાથી પ્રોપર્ટીની કિંમતમાં થઇ શકતા ઘટાડાને ધ્યાને લઇ એક લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હતો.તેવું ધ ટ્રિબ્યુન દ્વારા જાણવા મળે છે.

(2:29 pm IST)