મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

અદાણી ગ્રુપને લોન આપશો તો ગ્રીન બોન્ડને વેચી દેશે : યુરોપના સૌથી મોટા ફંડ મેનેજર આમુંડીની SBI ને ધમકી

એસબીઆઈના મુખ્ય રોકાણકારો પૈકી એક આમુંડી ગ્લોબલ ટોપ 10માં સામેલ છે : 1650 અબજ યુરોની એસેટનું મેનેજમેન્ટ કરે છે.

નવી દિલ્હી : ફ્રાન્સના ફંડ હાઉસ આમુંડીએ જણાવ્યું છે કે ભારતીય સ્ટેટ બેન્ક જો ઓસ્ટ્રેલિયામાં અદાણીની કાર્મિકેલ કોલસા ખાણને રૂ.5000 કરોડની લોન આપશે તો તે પોતાની પાસે રહેલા SBI ગ્રીન બોન્ડને વેચી દેશે. આમુંડી એસબીઆઈના મુખ્ય રોકાણકારો પૈકી એક છે. આમુંડી યુરોપનું સૌથી મોટું ફંડ મેનેજર છે અને ગ્લોબલ ટોપ 10માં સામેલ છે. તે 1650 અબજ યુરોની એસેટનું મેનેજમેન્ટ કરે છે.

આમુંડીના ઇન્સ્ટિટ્યુશનલ કોર્પોરેટ કલાયંટ્સ ડિવિઝન એન્ડ ESGના ડાયરેક્ટર જિન જૈક્યુસ બર્બેરિસે જણાવ્યું હતું કે એસબીઆઈએ આ પ્રોજેક્ટનું ફાઇનાન્સ ના કરવું જોઈએ. આ બાબતે ફેંસલો લેવાનો અધિકાર તો એસબીઆઈનો જ છે પરંતુ અમે તે વાતને લઈને એકદમ સ્પષ્ટ છીએ કે જો તે આ લોન આપશે તો અમે તાત્કાલિક ડિસઇન્વેન્ટ કરી દેશું. ગ્રીન બોન્ડથી એકત્ર કરવામાં આવેલ નાણાંથી આ ખાણને લોન આપવી તે એસબીઆઈ માટે વિરોધાભાસી પગલું હશે.

આમુંડીના આમુંડી પ્લેનેટ ઇમર્જિંગ ગ્રીન વન ફંડ પાસે એસબીઆઈના ગ્રીન બોન્ડ છે. તેઓએ કહ્યું કે અમે SBIને આ લોન નહીં આપવા અંગે કહ્યું છે કે અને હવે તેમના જવાબની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. આમુંડીએ કહ્યું હતું કે તેને આ અઠવાડિયે માહિતી મળી હતી કે SBI ઓસ્ટ્રેલિયામાં કાર્મિકેલ થર્મલ કોલ માઇનને લોન આપવા અંગે વિચાર કરી રહી છે. આમુંડીએ પોતાના આમુંડી પ્લેનેટ ઇમર્જિંગ ગ્રીન વન ફંડ દ્વારા એસબીઆઈના ગ્રીન બોન્ડ ખરીદ્યા છે.

અત્રે નોંધનીય છે કે કાર્બન ઉત્સર્જન સંબંધિત મુદ્દાઓને કારણે કલાયમેટ એક્ટિવિસ્ટ અદાણી કાર્મિકેલ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આમુંડીની રોકાણ નીતિમાં રિસ્પોન્સિબલ ઇન્વેસ્ટમેન્ટ સૌથી મહત્વપૂર્ણ છે.

(11:57 am IST)