મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

આયાતી સોના અને હીરા પરની ડયૂટી ઘટાડવા જેમ -જવેલરી ઇન્ડસ્ટ્રીની માંગ

કોમર્સ સેક્રેટરીએ યોગ્ય પગલાંની ખાત્રી આપીઃ ઊંચી ડયૂટીને કારણે જવેલરી ઇન્ડસ્ટ્રી મોટો વેપાર ગુમાવી રહી હોવાની રજૂઆત

નવી દિલ્હી,તા.૩૦ : જેમ જવેલરી ઇન્ડસ્ટ્રીએ વૈશ્વિકસ્તરે અગહરોળમાં સ્થાન વધુ મજબૂત બનાવવા માટે આયાતી સોના અને હીરા પર ડયૂટી ઘટાડવા માટે માગ યથાવત રાખી છે. તાજેતરમાં કોમર્સ મિનિસ્ટર સમક્ષની બેઠકમાં જીજેઇપીસી દ્વારા ફરી આ માંગણી કરાઇ હતી. કેન્દ્રીય મંત્રીએ પણ યોગ્ય પગલાં ભરવાની ખાત્રી આપી હતી.

 તાજેતરમાં સીઆઇઈઆઇની એક બેઠકમાં કોમર્સ મિનિસ્ટર સમક્ષ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવી હતી. જીજેઇ પીસીના ચેરમેન કોલિન શાહ દ્વારા પણ સરકાર તરફથી ઇન્ડ્રસ્ટ્રીને મળી  રહેલા સહકારની નોંધ રજૂ કરાઇ હતી. ઉપરાંત વૈશ્વિકસ્તરે ઉધોગ વધુ મજબૂતાઇ હાંસલ કરે તે માટે વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં તેમણે ખાસ કરીને ભારતીય જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી રો-મટિરિયલ્સ માટે મહદઅંશે વિદેશ પર નિર્ભર હોવાનું જણાવ્યું હતું. આ તબક્કે આયાતી રો-મટિરિયલ્સ પર ઊંચી ડ્યૂટીના કારણે વેપારને મોટી અસર થતી હોવાની રજૂઆત કરી હતી. ખાસ કરીને ભારતમાં ઊંચી ડયૂટીને કારણે પડતર કિંમત ઊંચી જતી હોય, વિદેશથી આવનારા, એનઆરઆઈનો ઘણો વેપાર ગુમાવવો પડતો હોવાની અને વેપાર અન્યત્ર જતો હોવાની રજૂઆત કરી હતી. આ તબક્કે તેમણે આયાતી સોના પરની ઇમ્પોર્ટ ડયૂટી ૧૨.૫ ટકાથી ઘટાડીને ૪.૫ ટકા તથા ડાયમંડ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ૭.૫ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કરવા રજૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે, આયાતી સોના તથા હીરા પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા માટે રજૂઆત થતી રહી છે. આ ઉપરાંત એસએનઝેડની ટેકસ વ્યવસ્થા મુદ્દે પણ રજૂઆત થતી રહી છે.

કેન્દ્રીય મંત્રીએ જીજેઇપીસીની રજૂઆતના અનુસંધાનમાં જરૂરી વિચારણાને આધારે યોગ્ય પગલા ભરવાની ખાત્રી આપી હતી. ઉપરાંત એસઈઝેડ, ટેકસ રિફંડ, લોજિસ્ટિક, ફાઇનાન્સિંગ સહિતના મુદ્દાઓ પર યોગ્ય પગલા ભરવાની તૈયારી દર્શાવી હતી. તેમણે આ સાથે ઉધોગકારોને પણ વેપાર પદ્ઘતિમાં જરૂરી બદલાવ લાવવા સૂચન કર્યું હતુ. વૈશ્વિકસ્તરે સ્પર્ધા વધી છે ત્યારે તેમણે વેપાર પદ્ઘતિમાં જરૂરી બદલાવ સાથે ટેકનોલોજીના વધુ ઉપયોગ માટે સૂચન કર્યું હતું.

(11:29 am IST)