મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

ઘણા લોકોના તો માથા વાઢી નાખ્યા

નાઇઝીરીયામાં બોકો હરામના આતંકીઓનો ખૂની ખેલઃ ૧૧૦ લોકોની નિર્દયતાથી હત્યા

યુનો, તા.૩૦: સંયુકત રાષ્ટ્રએ કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં કટ્ટરવાદી ઇસ્લામિક સંગઠન બોકો હરામના હત્યારાઓએ ૧૧૦ લોકોની નિર્દયતાથી હત્યા કરી દીધી. તેમાંથી ઘણા લોકોના શિરચ્છેદ કરી દેવામાં આવ્યા છે. દેશમાં સંયુકત રાષ્ટ્રના માનવતાવાદી સંયોજક એડવર્ડ કલ્લોન એ કહ્યું કે બોકો હરામે ઓછામાં ઓછા ૧૧૦ લોકોની નિર્દયતાથી હત્યા કરી છે. તદઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા છે.

કલ્લોને કહ્યું કે શરૂઆતમાં મૃત્યુઆંક ૪૩ હતો, જે બાદમાં વધીને ૭૦ થયો હતો. તેમણે કહ્યું કે આ દ્યટના સામાન્ય નાગરિકો પર સૌથી હિંસક રીતે સીધો હુમલો છે. આ હત્યાઓને ન્યાય અપાવવો જોઇએ. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના કોશોબેની છે, જે મુખ્ય શહેર મૈદુગુરીની નજીક આવેલ છે. હત્યારાઓએ ડાંગરના ખેતરમાં કામ કરતા લોકોની કત્લેઆમ કરી હતી.

જેહાદી વિરોધી સૂત્રોએ આ વિશે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે ખૂબ જ ક્રૂર હુમલામાં આ મજૂરોને પહેલા બાંધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના ગળા કાપવામાં આવ્યા હતા. નાઇજિરીયાના રાષ્ટ્રપતિ મહંમદ બુહારીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે આ હત્યાઓથી આખો દેશ ઘાયલ થયો છે. આ ભયાનક હુમલાથી બચી ગયેલા લોકોની મદદ કરનારા મિલિશિયાના નેતા બાબાકુરા કોલોએ જણાવ્યું હતું કે ૪૩ થી વધુ લોકોના ગળા કાપી હત્યા કરવામાં આવી છે.

કોલોના મતે નિઃશંકાપણે આ કામ બોકો હરામનું જ છે જે આ ક્ષેત્રમાં સક્રિય છે અને ઘણી વખત હુમલો કરી ચૂકયું છે. આ પીડિતો સોકોટો રાજયના મજૂર હતા. તેઓ કામની શોધમાં ઉત્તરપૂર્વમાં આવ્યા હતા. અન્ય એક મિલિશિયા ઇબ્રાહિમ લિમનના જણાવ્યા અનુસાર ડાંગરના ખેતરમાં કામ કરવા માટે ૬૦ ખેડૂતોની સાથે કોન્ટ્રાકટ કર્યો હતો. તમામ મૃતદેહોને જાબરમારી ગામ લઈ જવામાં આવ્યા છે જયાં તેમને રવિવારે દફન કરતાં પહેલાં રાખવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૯ બાદથી લગભગ ૩૬ હજાર લોકોના જેહાદી વિવાદમાં મોત થઇ ચૂકયા છે અને ૨૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થઇ ચૂકયા છે.

(11:28 am IST)