મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

લોકડાઉનમાં ઘર જમાઈ બન્યોઃ પછી સાળીને લઈને ભાગ્યો

ભાંડો ફૂટતા સાળીએ ઝેરી દવા ખાઇ લીધી હતી

ભોપાલ,તા. ૩૦: લોકડાઉનમાં અનેક લોકોના જીવનના રંગ બદલી ગયા. એકાંતવાસનો કસોટીકાળ આમ તો કોઈ ભૂલી નહીં શકે. અનેક લોકોને સંબંધો સાચવવાનો મોકો એ સમયે મળ્યો હતો. બીજી તરફ ઘરકંકાસ વધતા સંબંધો પર ઠંડું પાણી પણ રેલાયું. આવો એક કિસ્સો પાડોશી રાજય મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં એક વ્યકિત સાસરામાં ઘર જમાઈ બનીને રહેતો હતો.

પણ આ શખ્સનો ભાંડો ત્યારે ફૂટ્યો જયારે તે પોતાની સાળીને લઈને નાસી છૂટ્યો. પમરિયા ગામમાં લોકડાઉનમાં કામકાજ બંધ રહેતા આ વ્યકિત બે મહિના સુધી ઘર જમાઈ બનીને રહ્યો હતો. આ દરમિયાન ૧૭ વર્ષની યુવતી (સાળી)સાથે લફરૂ થતા યુવતી અને આ શખ્સ એકબીજાથી ખૂબ નજીક આવી ગયા હતા. એક બીજા પ્રત્યેનું ટ્યુનિંગ વધેલું જોઈને સાસુ અને પત્નીને આશંકા થઈ. પણ આ શખ્સે કહ્યું કે, યુવતી નાની બહેન જેવી છે. આમ કહીને બંનેની બોલતી બંધ કરી દીધી.પછી આ શખ્સ સાળીને લઈને ભાગી ગયો હતો. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે એની ધરપકડ કરી લીધી છે. આ શખ્સ અને સાળીનો ભાંડો ફૂટતા સાળીએ ઝેરી દવા ખાઈ લીધી હતી. સારવાર હેતું જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમિયાન એની મોટી બહેન પણ એની સાથે રહી હતી. પમરિયા ગામે રહેતી રિંકીના લગ્ન પાંચ વર્ષ પહેલા ભોપાલના ગૌતમનગરના રહેવાસી બ્રજેશ અહિરવાર સાથે થયા હતા. રિંકી અને બ્રજેશના બે સંતાન છે. રિંકીએ જણાવ્યું કે, લોકડાઉનમાં કામ બંધ રહેવાના કારણે આર્થિક તંગી ઊભી થઈ હતી. માતા-પિતાના કહેવાથી બ્રજેશને સાથે લઈને રિંકી પોતાના પિયરમાં આવી હતી.

રિંકીનો પતિ લોડિંગ વાહન ચલાવતો હતો. મે અને જુન એમ બે મહિના સુધી તે પોતાના સાસરિયામાં રહ્યો હતો. આ દરમિયાન રિંકીની નાની બહેન સાથે એને પ્રેમ થયો હતો. રિંકીના જણાવ્યા અનુસાર મા અને રિંકીને પણ એના પર આશંકા ગઈ હતી. જયારે સાસુએ બ્રજેશને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, યુવતી એની નાની બહેન જેવી છે. તમે ખોટું ન વિચારો. રિંકીની માતાએ કહ્યું કે, અમે જમાઈને દીકરા સમાન માન્યો પણ તેણે અમારા જ ઘરમાં હંગામો કરાવી દીધો. જુલાઈ મહિનામાં તે પોતાની પત્ની રિંકીને લઈને ફરી ભોપાલના ગૌતમનગરમાં રહેવા માટે આવી ગયો. જયાં આવીને તેણે વાત-વાતમાં પત્ની સાથે બોલાચાલી કરી, મારપીટ કરી હતી. આ ઉપરાંત પત્નીને છોડી દેવાની પણ ધમકી ઉચ્ચારી હતી. ઘણા દિવસો સુધી તે પોતાના પિયરમાં રહી હતી. સાત દિવસ પહેલા બ્રજેશ સાસરિયામાં આવ્યો અને સાળીને બાઈક પર બેસાડીને પલાયન થઈ ગયો હતો. નટેરન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે બંનેને ત્રણ દિવસ પહેલા જ પકડી પાડ્યા. સાળી અને બૃજેશ એના ભોપાલમાં આવેલા ઘરેથી પકડાયા. પોલીસ સ્ટેશનમાં આવેલા બંને પક્ષે સમજૂતી કરી.જેમાં બ્રજેશે કહ્યું કે તે પત્ની સાથે મારપીટ નહીં કરે અને પત્નીને પોતાના ઘરે લઈને જશે. સાળી સાથે પણ કોઈ પ્રકારનો સંબંધ નહીં રાખે. ત્યાર બાદ તે રિંકીને લઈને ઘરે આવી ગયો. શુક્રવારે રિંકીની નાની બહેને ઝેરી દવા ખાઈ લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી.

(9:38 am IST)