મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

સરકારી મહેમાન

ગુજરાતના 8 પ્રધાનોએ કોલેજ જોઇ નથી: 17 વિદેશ પ્રવાસના શોખિન, 6 ક્રિકેટ પ્રેમી

ગુજરાતના 13 પ્રધાનો વેપારી છે, 12 એવાં પ્રધાનો છે કે જેમનો મુખ્ય વ્યવસાય એગ્રીકલ્ચર છે : સૌથી વધુ અભ્યાસ કરી ચૂકેલા પ્રધાન સૌરભ પટેલ, સૌથી ઓછું આઠમું પાસ વાસણ આહિર છે : કોંગ્રેસમાંથી રાજીનામું આપીને તુરંત પ્રધાન બનેલા એક ધોરણ-10 અને એક ધોરણ-12 પાસ છે

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમની કેબિનેટના સભ્યોની લાક્ષણિકતાઓ અનેક છે. તેમની સરકારના કુલ 22 પ્રધાન પૈકી 17 વિદેશ પ્રવાસના શોખીન છે. છ પ્રધાનોને ક્રિકેટનો શોખ છે. 13 પ્રધાનો વેપારી છે અને 12 પ્રધાનો ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સૌથી વધુ ભણેલા પ્રધાન સૌરભ પટેલ છે અને સૌથી ઓછું ધોરણ-7 પાસ ભણેલા પ્રધાન વાસણ આહિર છે. રૂપાણી કેબિનેટમાં આઠ પ્રધાનોએ કોલેજ જોઇ નથી. એટલું જ નહીં, કોંગ્રેસમાંથી આવેલા બે પ્રધાનો પૈકી જવાહર ચાવડા એસએસસી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા એસએસસી પાસ છે. ભાજપના રાજ્યકક્ષાના બે પ્રધાન રમણ પાટકર અને કિશોર કાનાની ધોરણ-9 પાસ થયેલા છે. મુખ્યપ્રધાન અને તેમના હાલના પ્રધાનમંડળની કેટલીક ખાસિયતો આ પ્રમાણે છે...

વિજય રૂપાણી --- રાજ્યના મુખ્યપ્રધાન બીએસ, એલએલબી થયેલા છે. તેમનો વ્યવસાય વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ 2006માં રાજ્યસભાના સભ્ય બન્યાં હતા અને 2014માં પ્રથમવાર ધારાસભ્ય બન્યાં હતા. તેમનો મુખ્ય શોખ વાંચન અને સંગીત છે. તેઓ યુએસએ, યુકે, ફ્રાન્સ, દુબઇ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કેનેડા, દક્ષિણ આફ્રિકા સહિતના દેશો ફરી ચૂક્યાં છે.

નીતિન પટેલ --- રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણાં-આરોગ્ય પ્રધાન નીતિન પટેલ એસવાય બીકોમ સુધી ભણ્યાં છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેમનો મુખ્ય વ્યવસાય કોટન જીનિંગ એન્ડ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. પહેલીવાર તેઓ 1990માં ધારાસભ્ય બન્યાં હતા. તેમને સમાજસેવા અને વાંચન ગમે છે. તેઓ નેપાળ, યુએસએ, દક્ષિણ કોરિયા, સ્પેન, જર્મની અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરી ચૂક્યાં છે.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા --- બીએસ, બીએડ (અંગ્રેજી), અને એલએલબી થયેલા રાજ્યના શિક્ષણ પ્રધાનનો મુખ્ય વ્યવસાય વકીલાત અને સમાજસેવા છે. સંતાનમાં તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેમને રમતગમતનો શોખ છે. એ ઉપરાંત વાંચન, યુવા પ્રવૃત્તિઓ, સમાજસેવા, જળસંચય, જળબચત, ગ્રામવિકાસ, કૃષિ, બાગાયત વિકાસ, પ્રવાસ, પર્યાવરણ બચાવ અને શિક્ષણની રૂચિ છે. તેઓ યુએસએ, યુકે, ઇઝરાયલ, બેલ્જીયમ, કેનેડા, સ્પેન અને સ્વિડન જેવા દેશો ફરી ચૂક્યાં છે.

આરસી ફળદુ --- રાજ્યના કૃષિ વિભાગના પ્રધાન પ્રિ-સાયન્સ ભણ્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. 1998માં પહેલીવાર ધારાસભ્ય બન્યાં હતા. સમકાલીન વિષય પર તેમણે લેખનકાર્ય કર્યું છે. તેમનો શોખ વાંચન, રમતગમત અને સમાજસેવા છે. આ પ્રધાન અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.

કુંવરજી બાવળિયા --- કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાણી પુરવઠા વિભાગના આ કેબિનેટ પ્રધાન બીએસસી, બીએડ થયેલા છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી, નોકરી અને સમાજસેવા છે. પહેલીવાર 1995માં ચૂંટાઇ આવ્યા હતા. વાંચન, લેખન, સમાજસેવા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ એ તેમનો મુખ્ય શોખ છે.

કૌશિક પટેલ --- રાજ્યના મહેસૂલ વિભાગના કેબિનેટ પ્રધાન બીકોમ પાસ છે. તેમનો વ્યવસાય કેમિકલ અને વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. વાંચન, સમાજસેવા, ક્રિકેટ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમને ગમે છે. તેઓ યુએસએ, યુકે, દુબઇ જેવા દેશો ફરી ચૂક્યાં છે.

સૌરભ પટેલ --- બીકોમ, એમબીએ (યુએસએ) થયેલા સરકારના સૌથી વધારે ભણેલા ઉર્જા પ્રધાનનો મુખ્ય વ્યવસાય વેપાર છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. પહેલીવાર તેઓ 1998માં ધારાસભ્ય બન્યાં હતા. રમતગમત, તરણ, વાંચન તથા રાજકીય, સામાજીક અને વહીવટી પ્રવૃત્તિઓ તેમને ગમે છે. તેઓ અમેરિકા, યુરોપ, આફ્રિકા, હોંગકોંગ, સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા, મોરેશિયસ, મસ્કત, કતાર, દુબઇ અને ઓમાન જેવા દેશો ફરી ચૂક્યાં છે.

ગણપત વસાવા --- આદિવાસી નેતા અને વન વિભાગના કેબિનેટ પ્રધાન એમએ થયેલા છે. તેમનો વ્યવસાય ખેતી છે. પેટ્રોલપંપ છે અને સમાજસેવા કરે છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુસ્તક વાંચન, ક્રિકેટ અને કબડ્ડી તેમના મુખ્ય શોખ છે. તેઓ યુકે, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, શ્રીલંકા, સિંગાપુર, થાઇલેન્ડ, મલેશિયા અને દુબઇ ફરી આવ્યાં છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.

જવાહર ચાવડા --- કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને તુરંત પ્રવાસન પ્રધાન બનેલા આ નેતા અંગ્રેજી માધ્યમમાં એસએસસી સુધી ભણ્યાં છે. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. તેમનો વ્યવસાય વેપાર છે. પ્રવાસ, વાંચન અને સમાજસેવા એ તેમનો શોખ છે. તેઓ યુકે, ફ્રાન્સ, બેલ્જિયમ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટલી, ઓસ્ટ્રિયા, યુએસએ, જાપાન, ચીન, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, સિંગાપુર, હોંગકોંગ, મલેશિયા, યુએઇ, ઇઝરાયલ, શ્રીલંકા અને મકાઉ જેવા દેશો ફરી ચૂક્યાં છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કરતાં વધુ દેશો તેઓ ફરી ચૂક્યાં છે.

દિલીપ ઠાકોર --- જૂની એસએસસી પાસ એવા રૂપાણી સરકારના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ પ્રધાનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનનો છે. તેમનો મુખ્ય શોખ આધુનિક ખેતી કરવાનો છે. આ મંત્રી દુબઇ અને યુએઇનો પ્રવાસ કરી ચૂક્યાં છે.

જયેશ રાદડિયા --- રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન બીઇ સિવિલ થયેલા છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને પ્રધાન બન્યાં છે. તેઓ પહેલીવાર 2009ની પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા.  તેમનો વ્યવસાય વેપાર અને સમાજસેવા છે. તેઓ ક્રિકેટના શોખિન છે. થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર ફરી આવેલા છે.

ઇશ્વર પરમાર --- ધોરણ-12 કોમર્સ સુધી ભણેલા સામાજીક ન્યાય વિભાગના આ રાજ્યકક્ષાના પ્રધાનનો વ્યવસાય ખેતી અને વેપાર છે. તેમને બે પુત્ર છે. તેઓને વાંચન, ક્રિકેટ, આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં રૂચિ છે. તેમણે અમેરીકા અને દુબઇનો પ્રવાસ કર્યો છે.

પ્રદીપસિંહ જાડેજા --- ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન રસાણયશાસ્ત્રમાં બીએસસી થયેલા છે. સંતાનમાં તેમને એક પુત્ર છે. તેમનો વ્યવસાય કેમિકલનો છે. તેઓ પહેલીવાર 2002માં ધારાસભ્ય બન્યાં હતા. ક્રિકેટ રમવાનો તેમને શોખ છે. તેઓ અમેરિકા, યુરોપ, સિંગાપુર, ઇઝરાયલ અને નેપાળ જઇ આવ્યાં છે.

ધર્મેન્દ્રસિંહ જાડેજા --- કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને તુરંત રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન બન્યાં છે. તેઓ એચએસસી પાસ છે. સંતાનમાં એક પુત્ર છે. વ્યવસાયે તેઓ બિલ્ડર અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે સંકળાયેલા છે. તેમનો શોખ માનવસેવાનો છે.

પરસોત્તમ સોલંકી --- મુંબઇના અંધેરીમાં જન્મેલા કોળી નેતા અને રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન ડિપ્લોમા ઇન ઇલેકટ્રિકલ એન્જીનિયરીંગ ક્ષેત્રે ભણ્યાં છે. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમનો વ્યવસાય બિલ્ડર અને સમાજસેવાનો છે. કહેવાય છે કે કોળી સમાજના ઉત્થાન માટે તેમણે ખૂબ પ્રવૃત્તિઓ કરેલી છે. રમતગમત, સંગીત, જનસંપર્ક અને સમાજસેવા એ તેમના મુખ્ય શોખ છે. તેઓ ઇંગ્લેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, વિયેતનામ, દુબઇ, સિંગાપુર, ફ્રાન્સ, થાઇલેન્ડ અને અન્ય દેશો ફરી ચૂક્યાં છે.

જયદ્રથસિંહ પરમાર --- રાજ્યકક્ષાના કૃષિ વિભાગના પ્રધાન બીકોમ, એલએલબી, ડીટીપીએલ, એલએલએમ સુધી ભણ્યાં છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. ક્રિકેટ, વાંચન અને આધ્યાત્મિક બાબતોમાં તેમને વધારે રૂચિ છે. તેઓ કેનેડા, યુએસએ અને નેપાળ ફરી આવ્યાં છે.

બચુભાઇ ખાબડ --- ઓલ્ડ એસએસસી સુધી ભણેલા રાજ્યકક્ષાના ગ્રામ ગૃહનિર્માણ વિભાગના પ્રધાનનો વ્યવાસય ખેતી, વેપાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. સમાજસેવા, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ વાંચનનો તેમને શોખ છે.

યોગેશ પટેલ --- ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જીનિયર થયેલા રાજ્ય કક્ષાના નર્મદા, શહેરી ગૃહનિર્માણ વિભાગના પ્રધાનનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. 1990માં પહેલીવાર તેઓ ધારાસભ્ય બન્યાં હતા. તેમને એક પુત્ર અને બે પુત્રી છે. નદીઓ, પર્વતો, જંગલનો પ્રવાસ, પ્રાચીન વસ્તુનો અભ્યાસ તેમજ સંગ્રહ અને વૃક્ષારોપણ એ તેમના મુખ્ય શોખ છે. તેઓ અમેરિકા અને યુકેનો પ્રવાસ કરી ચૂક્યાં છે.

વાસણ આહિર --- રાજ્ય કક્ષાના પછાત વર્ગ કલ્યાણ વિભાગના પ્રધાન ધોરણ-7 પાસ છે. તેમનો વ્યવસાય ખેતીવાડી છે. તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પહેલીવાર 1995માં ધારાસભ્ય બન્યાં હતા. વાંચન, સંગીત, પ્રાચીન ભજનો, જૂનાં ગીતો, જનસંપર્ક, સમાજસેવા, પ્રકૃતિપ્રેમ અને દેશની વિવિધ ભાષાની જાણકારી જેવા શોખ છે. તેઓ મસ્કત અને દુબઇ ફરી આવેલા છે.

ઇશ્વરભાઇ પટેલ --- બીએ એએલબી થયેલા રાજ્યકક્ષાના સહકાર અને રમતગમત વિભાગના પ્રધાનનો વ્યવસાય ખેતી છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, વૃક્ષારોપણ અને સમાજસેવા એ તેમના શોખ છે. તેઓ બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકા, દુબઇ, સિંગાપુર, મલેશિયા, થાઇ લેન્ડ, શારજાહ, અબુધાબી, અમેરિકા અને ઝાંબિયા જેવા દેશો ફરી ચૂક્યાં છે.

વિભાવરી દવે --- એમકોમ, ડીસીએ, સીસીએપી (યુકે), ડીસીઓ (ઇગ્નુ) જેવો અભ્યાસ કર્યો છે તેવા રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાનનો મુખ્ય વ્યવસાય સમાજસેવા છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. તત્વજ્ઞાન, જીવન મૂલ્યોને લગતાં પુસ્તકોનું વાંચન, સારાં પ્રવચનો, ગઝલ, કવિ સંમેલનો સાંભળવાનો તેમજ ગરીબ-વૃદ્ધોની સેવા કરવાનું તેમને ગમે છે. તેઓ ફિલિપાઇન્સ અને લંડન ફરી આવેલા છે.

રમણ પાટકર --- ધોરણ-9 પાસ એવા રાજ્યકક્ષાના વન વિભાગના પ્રધાનનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. તેમને ચાર પુત્ર છે. તેમનો શોખ વાંચન છે.

કિશોર કાનાની --- સુરત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રધાન ધોરણ-9 પાસ છે. તેમનો વ્યવસાય ટેક્સટાઇલ છે. તેમને બે પુત્રી છે. તેમનો શોખ વાંચન છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:24 am IST)