મુખ્ય સમાચાર
News of Friday, 30th November 2018

દેવા માફી સહિતની અનેક માંગ સાથે ખેડુતોનું દિલ્હીમાં પ્રદર્શન

હજારોની સંખ્યામાં ખેડુતો દિલ્હીમાં, મોદી સરકાર ઉપર દબાણ : કૃષિ નીતિમાં ફેરફાર કરવા, કૃષિ સમસ્યાને લઈ સંસદનું ખાસ સત્ર બોલાવવા અને પાક માટે સારા એમએસપીની માંગણી : ખેડુતોને વિવિધ વર્ગોનું સમર્થન

નવી દિલ્હી, તા.૩૦ : દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોએ રામલીલા મેદાનથી સંસદ માર્ગ સુધી કૂચ કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાંથી આવેલા ખેડુતોએ લોન માફી અને પાકની સારી કિંમતો મેળે તેને લઈને જોરદાર માંગ કરી હતી. વધુ પાક માટે વધુ સારા એમએસપી સહિત જુદી જુદી માંગોને લઈને ખેડુતો દિલ્હીમાં એકત્રિત થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર ઉપર દબામ વધાર્યું હતું. લોન માફીની માંગ પણ ખેડુતો દ્વારા કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના નેતૃત્વમાં ખેડુતો દિલ્હીમાં એકત્રિત થયા હતા. ખેડુતોની કૂચના પરિણામ સ્વરૂપે દિલ્હીના જુદા જુદા માર્ગો પર જનજીવનને અસર થઈ હતી. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રામલીલા મેદાન, જવાહરલાલ નહેરૂ માર્ગ, ગુરૂનાનક ચોક, રણજીતસિંહ ફ્લાયઓવર, બારાબંકા ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ હતી. દેખાવ કરી રહેલા ખેડુતોએ ત્રણ મોટી માંગ રજુ કરી હતી. જેમાં પાક માટે વધુ સારા એમએસપીની ગેરેન્ટી માટે કાનુન લાવવાની માંગનો સમાવેશ થાય છે. દેખાવ કરી રહેલા ખેડુતોની બીજી માંગ ખેડુતોના દેવા માફીની રહી છે. જ્યારે તેમની પ્રથમ માંગ કૃષિ સંકટ અને તેની સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા માટે સંસદમાં ઓછામાં ત્રણ સપ્તાહ ખાસ સત્ર તરીકે રહે તેનો સમાવેશ થાય છે. દિલ્હી ટ્રાફિક પોલીસના કહેવા મુજબ અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા પણ આના માટે ગોઠવવામાં આવી હતી. ખેડુતો દ્વારા કરવામાં આવેલી માંગણીઓને લઈને વારંવાર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં ખેડુતો આંદોલનના માર્ગ ઉપર દેખાઈ રહ્યા છે. માંગોને લઈને ખેડુતો સંસદની તરફ કૂચ કરી ગયા હતા. અખિલ ભારતીય સંઘર્ષ સમિતિના બેનર હેઠળ આ ખેડુતો દિલ્હીમાં ડેરા જમાવી ચુક્યા છે. તેમના કહેવા મુજબ ખેડુતો અને કૃષિ મજુરોના ૨૦૭ સંગઠન તેની સાથે જોડાયેલા છે. તેમની માંગ છે કે સરકાર ખેતીવાડીને લઈને પોતાની નીતિઓમાં ફેરફાર કરે. કૃષિ નીતિમાં ફેરફારની પણ માંગ રહેલી છે. સંસદનું એક ખાસ સત્ર બોલાવવાની પણ માંગ કરવામાં આવી છે. ખેડુતોની માંગ છે કે એક ડ્રાફ્ટ પાકના યોગ્ય કિંમતની ગેરન્ટી સાથે રહે તે જરૂરી છે. જ્યારે અન્ય ડ્રાફ્ટ ખેડુતોની દેવા માફીના સંબંધમાં રહે તે જરૂરી છે. સંસદમાં ખાસ સત્રની રજુઆત કરવામાં આવી છે. ખેડુતોની માંગનું સમર્થન કરનાર એક વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર પી.સાઈનાથે કહ્યું છે કે આ સત્રમાં ખેતીમાં થનાર પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ અને ખેતીથી ખાનગીકરણની વાપસી પર ચર્ચા થવી જોઈએ. આગામી ૩૦ વર્ષની અંદર નવી વ્યવસ્થા ઉભી થવી જોઈએ. આ વખતે ખેડુત આંદોલનમાં મધ્યમ વર્ગના લોકો પણ જોડાયા છે. જેમાં તબીબો, લોયર્સન પણ સમાવેશ થાય છે. મધ્યમ વર્ગના લોકો નેશન ફોર ફાર્મર્સના નામથી આગળ વધી રહ્યા છે.

ખેડુતોની માંગો શું છે....

નવી દિલ્હી, તા.૩૦ : દેશભરમાંથી હજારોની સંખ્યામાં ખેડુતો આજે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં પહોંચ્યા હતા. ખેડુતોની મુખ્ય માંગ શું છે તે નીેચે મુજબ છે.

*    સરકાર ખેતીવાડીને લઈને પોતાની નીતિમાં સ્પષ્ટ ફેરફાર કરે

*    ખેડુતોની સમસ્યાને લઈને સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવે

*    ખાસ સત્રમાં ખેડુતોની સમસ્યા પર ચર્ચા કરવામાં આવે અને બે કાયદા પાસ કરવામાં આવે

*    પાક માટે યોગ્ય એમએસપીની ગેરેન્ટી અને ખેડુતોને દેવા માફી માટે કાયદો બનાવવામાં આવે

*    તેમની સમસ્યાને લઈને ઓછામાં ઓછા ત્રણ સપ્તાહનું સત્ર બોલાવી વિવિધ સમસ્યાઓને પર ચર્ચા કરવામાં આવે

*    કૃષિને લઈને નીતિગત ફેરફાર માટેની માંગ

*    સ્વામીનાથન આયોગ પર ફરીથી ચર્ચા કરવાની માંગ

*    ખેડુત સમુદાય દ્વારા સામનો કરવામાં આવી રહેલી પાણી અને અન્ય જુદી જુદી સમસ્યાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવે

*        ખેડુત સમુદાયને નડી રહેલી વીજળી અને અન્ય સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપવામાં આવે

(7:18 pm IST)