મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

રશિયાએ કોરોના વેક્સિનનું પરિક્ષણ અચાનક અટકાવ્યું

વેક્સિનની ૮૫ ટકાને કોઈ આડ અસર નથી : વેક્સિનની વધતી માગ સામે ડોઝની અછતથી પરિક્ષણ અટકાવાતા મહત્વાકાંક્ષી વેક્સિનની યોજનાને આંચકો

મોસ્કો, તા. ૩૦ : રશિયામાં કોરોનાની રસીના ટ્રાયલને હાલમાં રોકવામાં આવ્યા છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનના પરીક્ષણને અચાનક રોકવામાં આવ્યું છે. ગુરુવારે પરીક્ષણ કરી રહેલી કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે મોસ્કોની મહત્વકાંક્ષી કોરોના રસીની યોજના પર રોક લાગવી એક ઝટકા સમાન છે. રશિયા દ્વારા શોધાયેલી કોરોના વેક્સીન સ્પુતનિક વીના અત્યાર સુધીના પરીક્ષણ દરમિયાન ૮૫ ટકા લોકોને તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થઈ. આ વેક્સીન વિકસાવનાર ગાલમેયા રિસર્ચ સેન્ટરના હેડ એલેક્ઝેન્ડર ગિંટ્સબર્ગે આ અંગે માહિતી આપી હતી. એલેક્ઝેન્ડરે જણાવ્યું હતું કે કોરોના વેક્સીનની સાઈડ ઈફેક્ટ ૧૫ ટકા લોકો પર જોવા મળી છે. સ્પુતનિક વીના ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે.

ભારતમાં રશિયાની કોરોના વેક્સીનનું ટ્રાયલ આગામી માર્ચમાં પૂર્ણ થઈ શકે છે. રશિયન વેક્સીનનું ભારતમાં ટ્રાયલ કરી રહેલી હૈદરાબાદની કંપની ડો. રેડ્ડીએ જણાવ્યું કે રશિયાની કોરોના રસીના ત્રીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ માર્ચ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. ડો. રેડ્ડીના મુખ્ય કાર્યકારી અધિકારી ઈરેજ ઈઝરાયલે જણાવ્યું કે સ્પુતનિક વી વેક્સીનના મધ્યમ તબક્કાના પરીક્ષણ માટે રજીસ્ટ્રેશન આગામી કેટલાક સપ્તાહમાં શરૂ થશે અને ડિસેમ્બર સુધીમાં તેમ સમાપ્ત થવાની સંભાવના છે.

સ્પુતનિક વીનું ભારતમાં પરીક્ષણ કરવા માટે ડો. રેડ્ડીને ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ મંજૂરી આપી હતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા પણ વેક્સીનને મંજૂરી મળી છે. દેશમાં ૧૨ સરકારી અને પ્રાઈવેટ સંસ્થાઓ એકસાથે રસીનું પરીક્ષણ શરૂ થશે.

(9:05 pm IST)