મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

રશિયામાં પોલીસ પર હુમલો કરનાર શખ્સને ઠાર કરાયો

હુમલાખોરે અલ્લાહૂ અકબરના નારા લગાવ્યા : મુસ્લિમ વિસ્તારમાં ઘાયલ પોલીસની સ્થિતિ ખુબ ગંભીર

મોસ્કો,તા.૩૦ : રશિયાના મુસ્લીમ બહુમતિ ધરાવતા વિસ્તારમાં આજે એક હુમલાખોરે અલ્લાહૂ અકબર બોલતા બોલતા એક પોલીસકર્મી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસે હુમલાખોરને ગોળી મારીને ઠાર માર્યો હતો. હુમલાખોરે કુકમ્મોર વિસ્તારમાં પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો પણ પ્રયાસ કર્યો હતો.

૧૬ વર્ષના કિશોર હુમલાખોર ધારદાર ચાકુથી સજ્જ હતો અને તેને ગોળી મારવામાં આવી તે પહેલા એક પોલીસકર્મીને પણ ગંભીર રૂપે ઘાયલ કર્યો હતો.

સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે હુમલાખોરનું નામ અંતીપોવ છે. રશિયાની તપાસ એજન્સીએ  જણાવ્યું હતું કે, તે તેને આતંકવાદી ઘટના ગણી આગળની કાર્યવાહી કરી રહી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. રશિયાની સમાચાર એજન્સી ઈંટરફેક્સના જણાવ્યા પ્રમાણે હુમલાખોર અલ્લાહૂ અકબરના નારા લગાવી રહ્યો હતો. તેણે પોલીસ જવાનને કાફિર ગણાવીને તેના પર હુમલો કર્યો હતો. ઘટના મુસ્લીમ બહુમતિ ધરાવતા ટટારસ્તાનમાં ઘટી હતી.

તપાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે જીલ્લાની પોલીસની એક ઈમારતને પણ અગાના હવાલે કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેની ધરપકડ કરતી વખતે તેણે પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો અને અધિકારીને ચાકુ મારી દીધું હતું. તેણે પોલીસકર્મીઓને કહ્યું હતું કે, હું તમને બધાને મોતને ઘાટ ઉતારવા જઈ રહ્યો છું. આમ કહેતાની સાથે તેણે પોલીસ અધિકારી પર ત્રણ વાર ચાકુ વડે હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીએ હુમલાખોરને ચેતવણી આપતા હવામાં ગોળીબાર કર્યો હતો પણ તે માન્યો નહોતો. ત્યાર બાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. હુમલાખોર ઘટનાસ્થળે મોતને ભેટ્યો હતો.

ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે પણ તેની સ્થિતિ હજી પણ ગંભીર છે. તપાસકર્તાઓએ ઘટનાને 'આતંકી ઘટનાનો પ્રયાસલ્લ ગણાવતા કેસની તપાસ શરૂ કરી દીધી હતી. અંતીપોવ સાઈબેરિયા અલ્ટાઈ વિસ્તારનો છે. તે એક હલાલ કાફેમાં કામ કરે છે. કાફેના માલિક પણ હથિયારોમાં ગેરકાયદેસર હથિયારો બનાવવાના અને તોડફોડ કરવાના આરોપમાં ૧૪ વર્ષની જેલની સજા ભોગવી ચુક્યો છે. કેસમાં કેફેના માલિક સામે પણ તપાસ કરવામાં આવી શકે છે.

(7:32 pm IST)