મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

વેચવાલીને કારણે સેંસેક્સ ૧૩૬, નિફ્ટીમાં ૨૮ પોઈન્ટનો ઘટાડો

વૈશ્વિક બજારોના સંકેત પર બજારમાં વેચવાલી : એરટેલને સૌથી વધારે ચાર ટકાનું નુકસાન, ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંકના શેરના ભાવ પણ તૂટ્યા

મુંબઈ, તા. ૩૦ : વૈશ્વિક બજારોના સંકેતો પર, બોમ્બે સ્ટોક એક્સચેંજમાં શુક્રવારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ ૧૩૬ પોઇન્ટ ઘટીને ૩૯,૬૧૪.૦૭ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને ભારતી એરટેલ નુકસાનને કારણે સેન્સેક્સમાં ભારે ગિરાવટ રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) ના ૩૦ મુખ્ય શેરો પર આધારીત સેન્સેક્સ, દિવસના કુલ ૭૪૬ પોઇન્ટના ઘટાડા સાથે અંતે અંતે ૧૩૫.૭૮ પોઇન્ટ એટલે કે .૩૪ ટકા ગબડીને પાછલા દિવસની તુલનાએ ૩૯,૬૧૪.૦૭ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ) નો નિફ્ટી પણ ૨૮.૪૦ પોઇન્ટ એટલે કે .૨૪ ટકા તૂટીને ૧૧,૬૪૨ પર બંધ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સમાં ભારતી એરટેલને સૌથી વધુ ચાર ટકા નુકશાન રહ્યું હતું. મારુતિ, બજાજ ફાઇનાન્સ, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક બેંકના શેર પણ ઘટ્યા છે. તેનાથી વિપરિત, ટાટા સ્ટીલ, એનટીપીસી, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટીસીએસને લાભ થયો હતો. એલ.કે.પી. સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે કારોબાર દરમિયાન બજારમાં ઘણી વધઘટ રહી હતી.

ઓટો કંપનીઓના શેરમાં નફા માટે દબાણ હતું. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મોડેથી આવેલા ઉછાળાને પગલે બજારને થોડો ટેકો મળ્યો હતો. રિલાયન્સે બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા પહેલા વધારો નોંધાવ્યો હતો. બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન બજારની ભાવના ચિંતાજનક હોવાનું જણાયું છે. એક તરફ યુરોપના દેશોમાં કોવિડ -૧૯ રોગચાળાના વધતા જતા કેસોને કારણે ચિંતા વધી છે, તો બીજી તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજારમાં અનિશ્ચિતતા છે. શાંઘાઈ, સિઓલ, હોંગકોંગ અને ટોક્યોના બજારોમાં ગિરાવટ નોંધાયો છે. બીજી તરફ, યુરોપના શેર બજારોની શરૂઆત પણ વૃધ્ધિ સાથે થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડની કિંમત .૫૮  ટકા વધીને ૩૮.૪૮ ડોલર પ્રતિ બેરલ હતી.

(7:30 pm IST)