મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

લ્યો બોલો...હવે ટ્રેનમાં સાંસદના પત્નિ પણ નથી સુરક્ષિતઃ ચાલતી રાજધાનીમાંથી ભાજપના સાંસદની પત્નિના ૩ લાખની માલમતા ચોરાઈ

નવી દિલ્હી, તા.૩૦: ચોરોએ ટ્રેનમાં સાંસદની પત્નીને પણ છોડી નહીં. પટનાથી નવી દિલ્હી જઈ રહેલી રાજધાની ટ્રેનમાં ચોરોએ સાંસદની પત્નીની બેગમાંથી ૩ લાખ રૂપિયાની ચોરી કરી લીધી છે. ટ્રેનમાં વીઆઈપી કોચમાં સાંસદની પત્ની સાથે આ દ્યટના કાનપુરની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ ચોરીનો રિપોર્ટમ નવી દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યો છે. સાંસદની પત્નીનું કહેવું છે કે, પતિની સારવાર માટે તે આ રૂપિયા લઈ જઈ રહી હતી.

બેગ સહિત લઈ ગયા ત્રણ લાખ રૂપિયા

મુઝફ્ફરપુરથી બીજેપીના સાંસદ અજય નિષાદની પત્ની અને હાજીપુર નગર પરિષદની પૂર્વ ચેરમેન રમા નિષાદ પટનાથી રાજધાની એકસપ્રેસના વીઆઈપી કોચમાં મુસાફરી કરી રહ્યાં હતાં. તેણીનું કહેવું છે કે, પતિની સારવાર માટે તેણીની રૂપિયા લઈને નીકળી હતી. સાથે જ દિલ્હી આવીને લગ્નમાં પણ જવાની હતી. એ માટે કેટલોક ખાસ સામાન અને કપડાની સાથે બેગ હતી. કાનપુરની પાસે જયારે રમા બાથરૂમમાં ગઈ તો પરત આવીને જોયું તો સીટ પરથી તે બેગ ગાયબ થઈ ગઈ હતી. તેણે આ અંગેની જાણકારી તાત્કાલીક ટ્રેનમાં હાજર રેલ સ્ટાફને આપી હતી. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેન કાનપુરથી નીકળી ગઈ હતી.

સાંસદની પત્નીની સાથે થયેલી ચોરીનો આ કેસ નવી દિલ્હીમાં નોંધવામાં આવ્યો છે. કેસ દાખલ થતા પોલીસ એકશનમાં આવી ગઈ છે. પોલીસે ચોરીની તપાસ શરૂ કરી છે. આ રૂટ પર ઘટનાને અંજામ દેનારાઓની તલાશી લેવામાં આવી રહી છે. જેવી રીતે બેગ ગાયબ થયું તો તેની પાછળ બિજનૌરના ચોરોનો હાથ હોવાની શંકા છે. પીડીત રમાનું કહેવું છે કે, વીઆઈપી કોચમાં મહિલા યાત્રી સાથે આવી ઘટના બીજી વખત ન થાય તેનું રેલવે મંત્રાલયે ધ્યાન રાખવું જોઈએ.

(3:48 pm IST)