મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

મરાઠીમેં બાત મત કર, મેરે કો ચીડ હોતી હૈ...બિગ બોસ સ્પર્ધક કુમાર સાનુના પુત્રએ નોતર્યો વિવાદ

વાયકોમ-૧૮ને ટીવી ચેનલ કલર્સ પર આ એપિસોડ પ્રસારિત કરવા બદલ માફી માંગવી પડીઃ મનસેના નેતાએ જો માફી નહિ મંગાય તો માઠા પરિણામની ચિમકી પણ ઉચ્ચારી હતીઃ જાન સાનુને શોમાંથી રવાના કરી દેવાની પણ ઉઠી માંગણી

મુંબઇ તા. ૩૦: બોલીવૂડના જાણીતા ગાયક કુમાર સાનુના પુત્ર અને 'બિગ બોસ ૧૪'ના સ્પર્ધક જાન કુમાર સાનુએ તાજેતરમાં ટીવી શોમાં મરાઠી ભાષા વિરૂદ્ઘ ટીપ્પણી કરતાં વિવાદમાં આવી ગયો છે. આ કારણેવાયકોમ ૧૮-એ પોતાની ટીવી ચેનલ કલર્સ પર આ વિવાદાસ્પદ એપીસોડનું પ્રસારણ કરવા બદલ માફી માગવી પડી હતી.

જાને બિગ બોસના એક એપીસોડમાં નિક્કી તંબોલી સાથેની જીભાજોડી દરમ્યાન એને એમ કહ્યું હતું કે તું મરાઠીમાં ન બોલ, મને ચીડ ચડે છે. આવી ટીપ્પણ (કોમેન્ટ)ને પગલે વિવાદ સર્જાયો હતો. નિક્કી સાથે પંગો લેતા જાને એને કહ્યું હતું કે મરાઠીમેં બાત મત કર, મેરે સામને બાત મત કર, મેરે કો ચીડ હોતી હૈ. સુનાઉંગા તેરેકો. મેરે સામને મરાઠી મેં બાત મત કર, દમ હૈ તો હિન્દી મેં બોલ વરના બાત મત કર. ચીડ આતી હૈ મુજકો.

ધાર્યા મુજબ, આવી કમેન્ટના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા. શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇક અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા અમેય ખોપકરે જાન જો માફી નહિ માગે તો માઠાં પરિણામોની ધમકી આપી હતી. આવી કમેન્ટને વખોડો કાઢતા સરનાઇકે જણાવ્યું હતું કે મરાઠી ભાષાનું અપમાન સાંખી નહિ લેવાય. એમણે શોના હોસ્ટ સલમાન ખાનના પીઆરઓ અને ચેનલના કર્તાહર્તાઓ સાથે પણ વાત કરી હતી.

બીજી તરફ, ક્રોધે ભરાયેલા ખોપકરે એવી ધમકી આપી હતી કે જાન જો ૨૪ કલાકમાં માફી નહિ માગે તો અમે ગોરેગામમાં ચાલતું બિગ બોસનું શૂટીંગ અટકાવી દઈશું. એમણે એવી ગર્ભિત ચેતવણી પણ આપી હતી કે હવે હું જોઉં છું કે જાનને મુંબઈમાં કઈ રીતે કામ મળે છે. એને પગલે ચારેકોરથી દ્યેરાયેલી વાયકોમ ૧૮ કંપનીએ બુધવારે પોતાની ચેનલ કલર્સ પર આ એપીસોડનું પ્રસારણ કરવા બદલ મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેની માફી માગી હતી. કલર્સ ચેનલે પણ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે મંગળવાર, ૨૭ ઓકટોબરે પ્રસારિત થયેલા બિગ બોસના એપીસોડમાં મરાઠી ભાષા વિરુદ્ઘ કરાયેલી ટીપ્પણ સંબંધમાં અમે માફી માગીએ છીએ. મહારાષ્ટ્રના લોકોનું દિલ દુભાવવાનો અમારા કોઈ ઇરાદો નહોતો. ઠાકરેને લખેલા પત્રમાં નેટવર્કે એમ પણ કહ્યું હતું કે અમે ઉકત એપીસોડના ભવિષ્યમાં થનારા પ્રસારણમાંથી આ વાંધાજનક કમેન્ટસ કાઢી નાખીશું.

આ પહેલા શિવસેનાએ શોની શૂટીંગ પરમિટ રદ કરવાની માગણી કરી હતી. જયારે રાજયના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ સરકાર કાનૂની પગલાં લેવાનું વિચારી રહી છે. શિવસેનાના સેક્રેટરી અને પાર્ટીની ચિત્રપટ સેનાના પ્રમુખ આદેશ બાંદેકરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે બિગ બોસ શોના સંચાલકો અને સંબંધિત વ્યકિત (જાન સાનુ)એ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના લોકોની તાકીદે માફી માગવી જોઈએ. એ વ્યકિતને તુરત શોમાંથી રવાના કરવી જોઈએ.

વાયકોમે મુખ્ય પ્રધાનની લેખિતમાં માફી માગી લીધા બાદ સરનાઈકે જણાવ્યું હતું કે અમે ર્માીફી સ્વીકારી લીધી છે. જયારે ખોપકરે એવો આગ્રહ રાખ્યો હતો કે કંપનીએ શોમાં માફી માગવી જોઈએ પછીથી, વાયકોમે મનસેના પ્રમુખ રાજ ઠાકરેની મરાઠીમાં માફી માગી હતી. જયારે જાનને બુધવારે રાત્રે પ્રસારિત થયેલા એપીસોડમાં માફી માગવાની ફરજ પડાઈ હતી.

(12:18 pm IST)