મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

ભાવો આસમાને પહોંચતા

સોનાની માંગમાં નોંધાયો ધરખમ ઘટાડો

જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં વેંચાણ ૪૮ ટકા ઘટ્યું

નવી દિલ્હી,તા. ૩૦: કોરોનાની મહામારી બાદ આર્થિક તંગી તથા વધેલી કિંમતોના પરિણામે સોનાની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ જવેલર્સ એસોસિયેશનના અંદાજ મુજબ, સોનાના વેચાણમાં ૨૦૨૦-૨૧ના બીજા કવાર્ટરમાં અંદાજે ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. માત્ર ગુજરાત નહીં દેશભરમાં આ પ્રકારે સોનાની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગુરુવારની રિપોર્ટ મુજબ, જુલાઈથી સપ્ટેમ્બરના કવાર્ટરમાં દેશભરમાં સોનાના વેચાણમાં ૪૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અમદાવાદ જવેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જીગર સોની કહે છે, જુલાઈથી સપ્ટેમબર સુધીમાં સોનાની ડિમાન્ડમાં અંદાજે ૫૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉન દરમિયાન સોનાની ડિમાન્ડ એકદમ શૂન્ય હતી, જોકે શો રૂમ્સ ખૂલતા સોનાની ડિમાન્ડ થોડી ઘણી રહી હતી. સોનાની વધેલી કિંમતો જવેલરીના વેચાણમાં મોટું અવરોધ રહ્યું. જવેલર્સ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવા છતાં માત્ર થોડું જ વેચાણ થઈ રહ્યું છે.

ગુરુવારે અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૨,૭૦૦ રૂપિયા રહી હતી. રિપોર્ટ મુજબ, લોકડાઉન અને સોનાની વધેલી કિંમતોના પરિણામે જ ભારતીય ગ્રાહકો સોનું ખરીદવાનું ટાળતા હતા, આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં પિત્રુ-પક્ષ અને અધિક માસ હોવાથી પણ આ સમય સોનું ખરીદવા માટે અશુભ મનાતો હોવાથી લોકો સોનું ખરીદવાનું ટાળતા હતા.

હાલની સ્થિતિ વિશે બોલતા જવેલર્સ કહે છે કે આગામી લગ્નની સીઝનમાં સોનાનું વેચાણ થોડું વધી શકે છે. શહેરના એક જવેલર્સે જણાવ્યું કે, સોનાની કિંમત વધીને થોડી ઘટતા વેચાણ વધી રહ્યું છે, પરંતુ ૪૦ ટકા લોકો જૂના દાગીને એકસચેન્જ કરાવીને નવા ખરીદી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળ બાદથી જ સોનાના માર્કેટમાં નિરસતા જોવા મળી રહી છે. તેમાં પણ લોકડાઉન બાદ નોકરી તથા ધંધામાં અનિયમિતતાથી પૈસાની તંગીની સમસ્યા વધી છે. એવામાં સતત વધી રહેલા સોનાના ભાવથી સોનું મોટાભાગના લોકોની પહોંચથી બહારની વસ્તુ બની ગઈ છે.

(11:24 am IST)