મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

વિશ્વમાં મોજુદ છે ૮,૫૦,૦૦૦ અજ્ઞાત વાયરસ

ભવિષ્યમાં ફેલાનારી મહામારીઓ હશે વધુ ખતરનાક

નિષ્ણાતોનો રિપોર્ટ ડરામણો : ભવિષ્યમાં લોકો કેટલીક વધુ મહામારીનો સામનો કરવો પડી શકે છે

નવી દિલ્હી,તા. ૩૦: લાંબા સમયથી દેશ અને દુનિયા કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. આ વર્ષે કોરોના મહામારી દરમ્યાન ઢગલા બંધ ખરાબ સમાચારોએ બધાને દુઃખી કર્યા છે. ત્યારે મુખ્ય નિષ્ણાંતોનો એક રિપોર્ટ વધુ ડરાવનારો છે. આ રિપોર્ટ કહે છે કે દુનિયા ભવિષ્યમાં ઘણી વધુ વખત મહામારીનો અનુભવ કરી શકે છે. અને તેમાંથી કેટલીક મહામારીઓ કોરોનાની સરખામણીમાં વધુ ઘાતક હશે અને તેનુ નિયંત્રણ કરવું વધુ મોઘુ હશે.

જૈવ વિવિધતા અને મહામારી પરનો આ વૈશ્વિક રિપોર્ટ દુનિયાભરના ૨૨ મુખ્ય નિષ્ણાંતો દ્વારા લખવામાં આવ્યો હતો. જે ગુરૂવારે બહાર પડાયો છે. રિપોર્ટની ચેતવણી અનુસાર, જેમને એવું લાગતુ હોય કે કોરોના એક માત્ર ઘાતક વાયરસ છે. તેઓ એ જાણી લે કે પ્રકૃતિમાં ૫ લાખ ૪૦ હજારથી -૮ લાખ૫૦ હજાર અજ્ઞાત વાયરસો છે જે લોકોને સંક્રમિત કરી શકે છે. દિલચશ્પ વાત એ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ફ્રેંચ ગુયાનામાં માયરો વાયરસની બિમારી ફેલાવાની જાહેરાતના ત્રણ દિવસ પછી આ રિપોર્ટ આવ્યો છે. ડેગ્યુ જેવા જ લક્ષણોની સાથે આ વાયરસ પણ મચ્છરો દ્વારા જ ફેલાય છે.

ઇબોલા, જીકા, નિપાહ ઇન્સેફેલાઇટીસ અને ઇન્ફલ્યુએન્ઝ, એચઆઇવી /એઇડ્સ, કોવિડ-૧૯ જેવી લગભગ બધી જાણીતી  મહામારીઓમાંથી મોટાભાગની (૭૦ ટકા )પશુ રોગોની ઉત્પતિના વાયરસ છે. આઇપીબીઇએસ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વન્યજીવો, પશુઓ અને લોકો વચ્ચે સંપર્કના કારણે આ વાયરસો ફેલાઇ જાય છે. નિષ્ણાંતોએ સંમતિ વ્યકત કરી કે મહામારીના યુગથી બચવું શકય છે પણ સાચી પ્રતિક્રિયા દ્વારા તેને રોકવી જરૂરી છે.

(10:55 am IST)