મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

દેશને અભિવ્યક્તિ માટે મુક્ત રહેવા દયો :સરકારની ટીકા કરનારા લોકોની સતામણી બંધ કરો: સુપ્રીમકોર્ટ

દિલ્હીની મહિલાએ મમતાની ટીકા કરતી પોસ્ટ લખતા પશ્વિમ બંગાળ પોલીસે મહિલાને સમન્સ પાઠવ્યું ;મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી

નવી દિલ્હી : દિલ્હીની મહિલાએ મમતા બેનર્જીની ટીકા કરતી ફેસબુક પોસ્ટ લખી હતી. એ પછી પશ્વિમ બંગાળની પોલીસે મહિલાને સમન્સ પાઠવ્યું હતું. તેની સામે મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાનો પક્ષ સાંભળ્યા પછી પોલીસને જણાવ્યું હતું કે દેશને અભિવ્યક્તિ માટે મુક્ત રહેવા દો. સરકારની ટીકા કરનારા લોકોની સતામણી બંધ કરો. માત્ર એ કારણથી કોઈ વ્યક્તિને સમન્સ ન પાઠવી શકાય કે તેણે સરકારની કોઈ નીતિની ટીકા કરી છે. સરકાર કે સરકારી તંત્રની આલોચના કરનારાને પરેશાન કરવાનું વલણ અયોગ્ય છે.

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ ડી. વાય ચંદ્રચૂડ અને ઈન્દિરા બેનર્જીએ કહ્યું હતું કે સરકારની ટીકા પછી પૂછપરછના નામે કોઈને બોલાવવા માટેનો પોલીસ આદેશ આપે તે બિલકુલ યોગ્ય નથી. કાલે ઉઠીને મુંબઈ, કોલકાત્તા, મણિપુર, દિલ્હી કે ક્યાંયની પણ પોલીસ દેશના કોઈ પણ વિસ્તારના નાગરિકોને બોલાવવા માંડશે. એ પણ માત્ર એટલા માટે કે તેમણે સોશિયલ મીડિયામાં સરકારની ટીકા કરી છે

 અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની રોશની વિશ્વાસ નામની મહિલાએ ફેસબુકમાં કોલકાત્તાના રાજા બજારમાં એકઠાં થયેલા લોકોની બાબતે સરકારની ટીકા કરી હતી. એ પછી પશ્વિમ બંગાળની પોલીસે મહિલાને એ પોસ્ટથી સાંપ્રદાયિક નફરત ફેલાશે એવું કહીને સમન્સ પાઠવ્યું હતું.

 એ સમન્સની વિરૃદ્ધ મહિલાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. એ પછી કલકત્તા હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. બંને કોર્ટે મહિલાની અરજી માન્ય રાખીને સમન્સ પર સ્ટે મૂક્યો હતો, પરંતુ જો બીજી વખત સમન્સ મળે તો હાજર થવાની તાકીદ કરી હતી. તેની સામે મહિલાએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા.

(10:37 am IST)