મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

દિપાવલી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થયું હોવા છતાં બજારમાં હજી મંદી

વર્ષ ૨૦૨૦માં ધંધો તદ્દન ખોટમાં હોવાનું વેપારીઓનું મંતવ્યઃ મોંઘવારી જેવા પરિબળોને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી

નવી દિલ્હી, તા.૩૦: દિપાવલી પર્વના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે એમ કહી શકાય કે દિપાવલી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે તેમ છતાં હજી બજારોમાં ખરીદીની કોઈ તેજી જણાતી નથી. હાલ લોકો માત્ર નાના બાળકો માટે કપડા અને પગરખાની ખરીદી કરી રહ્યા છે. દિપાવલી પર્વ નજીક આવતો હોવા છતાં બજારમાં ખરીદી ન જણાતા વેપારીઓ ચિંતામા ગરકાવ થઈ ગયા છે.

વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા માટેવિવિધ સેલની પણ જાહેરાત કરી છે તેમ છતાં હજી સુધી ખરીદીની તેજી જણાય નથી.

આવા સમયે વેપારીઓ ખુબ અવઢવમાં મુકાઈ ગયા છે. દિપાવલીને અનુલક્ષીને કપડાથી માંડીને ખાદ્યસામગ્રી અને પગરખા તેમજ અન્ય ચીજવસ્તુઓનો ભારે ઓર્ડર વેપારીઓ આપી ચુકયા છે અને તે મુજબનો માલ-સામાન આવી ચુકયો છે. વેપારીઓની દુકાનો ભરાઈ ગઈ છે પરંતુ ખરીદી ન જણાતા ચિંતામા વધારો જણાયો છે.

દેવુ કરીને તેમજ વ્યાજે રૂપિયા લાવી દિપાવલીનો ધંધો કરતા વેપારીઓ માટે વર્ષ ૨૦૨૦ની દિવાળી દેવાળુ કાઢશે એમ પણ કેટલા વેપારીઓ કહી રહ્યા છે. કોરોના સાથે લોકડાઉન અને મંદી અને મોંઘવારી જેવા અનેક પરિબળોના પરિણામે લોકોની આર્થિક પરિસ્થિતિ  ખુબ તંગ બની ગઈ છે.

(10:11 am IST)