મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

હવે ફિલ્મનું નામ માત્ર 'લક્ષ્મી'

વિવાદોમાં ઘેરાયેલી અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું બદલાયું નામ

અક્ષય કુમારની આ નવી ફિલ્મ ૯ નવેમ્બરના ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે

મુંબઇ,તા. ૩૦:અક્ષય કુમારની નવી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' રિલીઝ થતાં પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ છે. ફિલ્મના નિર્માતાઓએ વિવાદને શાંત કરવા માટે હવે આ ફિલ્મનું નામ બદલાવવાનો નિર્ણય લીધો છે. હવે ફિલ્મના ટાઇટલમાંથી બોમ્બ શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. ફિલ્મનું નવું નામ હશે 'લક્ષ્મી' નોંધનીય છે કે ફિલ્મ ૯ નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે.

રાઘવ લોરેન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને ગુરુવારે સેન્સર સર્ટિફિકેટ માટે મોકલી દેવામાં આવી હતી. સ્ક્રીનિંગ પછી ફિલ્મ મેકર્સ અને CBFC વચ્ચે ફિલ્મને લઈને ચર્ચા થઈ. લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા ફિલ્મના પ્રોડ્યૂસર્સ- શબીના ખાન, તુષાર કપૂર અને અક્ષય કુમારે ફિલ્મનું નામ બદલવાનો નિર્ણય લીધો છે.

આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે પણ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ ગઈ હતી. ટ્રેલર રિલીઝ થતાં જ અનેક ટ્વિટર યૂઝર્સે આને 'લવ જિહાદ'ને પ્રોત્સાહન આપતી ફિલ્મ છે એવા આરોપ મૂકયા હતા. જો કે, ફિલ્મનું ટ્રેલર ખૂબ જ લોકપ્રિય પણ થયું હતું, અનેક સિતારાઓએ ટ્રેલરના અને ફિલ્મના વખાણ પણ કર્યા હતા.

(10:15 am IST)