મુખ્ય સમાચાર
News of Wednesday, 30th September 2020

શાળા ફીમાં ૨૫% માફી : કોરોના કાળમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ વાલીઓને રાહત

પહેલા કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં ૧૦૦% ફી માફીની જાહેરાત કરે પછી ગુજરાતમાં ૧૦૦% ફીની માંગણી કરે : કેબીનેટની બેઠક બાદ નિર્ણય, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત : જે વાલીઓએ આ વર્ષની ફી જે પણ ભરેલ હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે : સીબીએસસી બોર્ડને પણ આ નિર્ણય લાગુ પડશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૩૦ : ગુજરાત સરકાર દ્વારા આજે ફી  અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે શાળાની ફીમાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી છે. આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નિર્ણય જાહેર કર્યો છે.

ગુજરાતનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી શાળા ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે, સ્કૂલ ફીમાં ૨૫ ટકા રાહત આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વાલીએ આ વર્ષની ફી જે પણ ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ ૧૦૦ ટકા ફી માફીની વાત કરે છે. મારે કોંગ્રેસના નેતાઓને પૂછવું છે કે, કોંગ્રેસશાસિત કયા રાજયમાં સ્કૂલ ફીમાં ૧૦૦ ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા કોંગ્રેસશાસિત પ્રદેશોમાં ૧૦૦ ટકા ફી માફીની જાહેરાત કરીને પછી ગુજરાતમાં ૧૦૦ ટકા ફી માફીની માંગણી કરે.

આજે મળેલી મંત્રી મંડળની બેઠકમાં શાળાઓ ફીમાં રાહત બાબતે વિસ્તૃત ચર્ચા પરામર્શ કરવામાં આવી છે. આજની તારીખે વાલીમંડળનું કોઈપણ જાતનું રજીસ્ટ્રેશનવાળુ ગ્રુપ નથી, આમ છતા નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ શાળામાં ભણતા બાળકોની ફી માટે વાલી મંડળ દ્વારા કરવામાં આવેલ રજૂઆત બાદ આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં વિદ્યાર્થીઓની ફીમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ૨૫% રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણય સીબીએસસીને પણ લાગુ પડશે.

કોંગ્રેસ દ્વારા ૧૦૦% ફીમાં રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી તે સંદર્ભે અમારે એટલુ જ કહેવાનું છે કે કોંગ્રેસ શાસિત રાજયોમાં પહેલા ૧૦૦% માફ કરો પછી ગુજરાતની વાત કરો.

રાજય સરકારે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ કરવામાં આવેલ છે અને જુદા જુદા વાલીમંડળો સાથે ચર્ચા પરામર્શ કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

જયારે એફ.આર.સી.માં પણ જોડાયેલા તમામને પણ આ નિર્ણય લાગુ પડશે. આ વાત રાજયમંત્રી મંડળની બેઠક પૂર્ણ થયા બાદ રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(3:00 pm IST)