મુખ્ય સમાચાર
News of Monday, 30th September 2019

ઠાકરે પરિવારમાંથી પહેલીવાર આદિત્ય ચૂંટણી લડશે

આ અગાઉ બાલ ઠાકરે, ઉદ્ઘવ ઠાકરે અને રાજ ઠાકરે કોઇએ પણ ચૂંટણી લડી નથી પરંતુ આદિત્ય ઠાકરે ચૂંટણી લડશે

મુંબઇ, તા.૩૦: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મુદ્દે શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે. શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરે વર્લી વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઠાકરે પરિવાર સામે ચૂંટણી લડનારા આદિત્ય ઠાકરે પહેલા વ્યકિત છે. આ અગાઉ બાલ ઠાકરે, ઉદ્ઘવ ઠાકરે  અને રાજ ઠાકરે કોઇએ પણ ચૂંટણી નથી લડી. ઇતિહાસમાં આ પહેલીવાર થશે કે ચૂંટણીમાં શિવસેનાને ઠાકરે પરિવાર સાથે લોકોને કોઇ જ ચહેરો નહી મળે. મળતી માહિતી અનુસાર શિવસેના આદિત્યને મુખ્યમંત્રી પદના માટે પણ દાવેદારી રજુ કરી શકે છે.

જો ભાજપ અને શિવસેના સરકારમાં પરત કરે છે તો આદિત્ય ઠાકરેને ઉપમુખ્યમંત્રીના પદ આપવામાં આવી શકે છે. હાલ વર્લી સાથે સુનીલ શિંદે શિવસેનાનાં ધારાસભ્ય છે. શિંદેએ વર્ષ ૨૦૧૪માં એનસીપીનાં ધારાસભ્ય અને મંત્રી રહેલા સચિન અહીરને ભારે મતોથી હરાવ્યા હતા. થોડા દિવસો પહેલા સચિન અહીરે શિવસેના પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોનું ચૂંટણી પંચે હાલમાં જ જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ૨૧ ઓકટોબરના રોજ મતદાન થશે અને મતગણતરી ૨૪ ઓકટોબરે થશે.

(10:03 am IST)