મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

ક્રિકેટના દ્રોણાચાર્ય નું અવસાન : મુંબઈના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોચ વાસુ પરાંજપેનું 82 વર્ષની વયે દુખદ નિધન : મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ : સચિન, રોહિત, રાહુલ જેવા દિગ્ગજોના કરિયર બનાવ્યું હતું

ગાવાસ્કરને 'સની' ઉપનામ આપ્યું હતું અને સંદિપ પાટીલનું ઘર વસાવ્યુ હતુ

મુંબઈ : ક્રિકેટના દ્રોણાચાર્ય કહેવાતા અને મુંબઈના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોચ વાસુ પરાંજપે નું સોમવારે (30 ઓગસ્ટ)ના રોજ નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. તેમણે 1956 અને 1970ની વચ્ચે મુંબઈ અને બરોડા માટે 29 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેમની પ્રથમ વર્ગ ક્રિકેટ કારકિર્દીમાં તેમણે 23.78 રનની સરેરાશથી 785 રન બનાવ્યા હતા. સાથે જ નવ વિકેટ પણ ઝડપી હતી. તેમના રમવાના દિવસો દરમિયાન તેઓ મુંબઈની સ્થાનિક ક્રિકેટમાં દાદર યુનિયન તરફથી રમતા હતા. જે ટીમ સૌથી શક્તિશાળી ટીમોમાંની એક હતી અને તેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ રમતા હતા. વાસુ પરાંજપેનો જન્મ 21 નવેમ્બર 1938ના રોજ ગુજરાતમાં થયો હતો. જતીન પરાંજપે તેનો પુત્ર છે જે ભારત માટે રમી ચૂક્યો છે. આ સાથે જતીન રાષ્ટ્રીય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે.

ખેલાડી તરીકે નિવૃત્ત થયા પછી વાસુ પરાંજપે કોચ બન્યા હતા. તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થવા માટે ઘણા ક્રિકેટરોને મદદ કરી હતી. જેમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar), સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા જેવા નામોનો સમાવેશ થાય છે. વાસુ ઘણી ટીમોના કોચ હતા. તેઓ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના કોચ પણ હતા. રવિ શાસ્ત્રી, વિનોદ કાંબલી સહિત અનેક દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રોહિત શર્માએ ગયા વર્ષે જ કહ્યું હતું કે વાસુ પરાંજપેનો તેમની કારકિર્દીની પ્રગતિમાં મોટો ફાળો છે. તેમણે કહ્યું હતું કે 'હું હજુ પણ વાસુ સરના સંદેશની રાહ જોઉં છું. હું જાણું છું કે વાસુ સર જ્યારે પણ તક મળે ત્યારે મારી મેચ જોતા. મારા પર વિશ્વાસ કરો, તેમની તરફથી કોઈપણ નાનું સૂચન ખૂબ મૂલ્યવાન હોય છે. દરેક ઈનિંગ્સ પછી હું તેમની સલાહ સાંભળવા આતુર છું.

સુનિલ ગાવસ્કરને 'સની'નું ઉપનામ વાસુ પરાજંપે દ્વારા આપવામાં આવ્યું હતું. ક્રિકેટની સાથે સાથે વાસુ પરાંજપે ક્રિકેટરોને અન્ય બાબતોમાં પણ મદદ કરતા હતા. તેમનો આવો જ એક કિસ્સો સંદીપ પાટીલ સાથે જોડાયેલો છે. સંદીપ પાટિલ જેની સાથે લગ્ન કરવા માંગતા હતા, તે યુવતીનો પરિવાર સહમત ન હતો. પછી વાસુએ યુવતીના માતા-પિતાને કહ્યું 'જો મને દીકરી હોત તો હું તેના લગ્ન સંદીપ સાથે કરાવત. આ પછી સંદીપના લગ્ન દીપા સાથે થયા હતા.

(8:40 pm IST)