મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

ચીને પોતાના ખાસ દોસ્ત પાકિસ્તાનની સેનાની ટી-85 ટેન્કો માટે ખામીયુક્ત રેડિએટર પધરાવ્યા

પાકિસ્તાન અને તેના ખાસ દોસ્ત ચીન વચ્ચે ટી-85 ટેન્કને અપગ્રેડ કરવાના મુદ્દે વિખવાદ સર્જાઈ ગયો છે.

પાકિસ્તાની સેનાની ટી-85 ટેન્ક માટે ચીનની કંપનીએ હલકી ગુણવત્તાના રેડિએટર પધરાવી દીધા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે આમ તો ચીન અને પાકિસ્તાન ખાસ દોસ્ત છે અને પાકિસ્તાનમાં ચીન પોતાની ઘણી મહત્વાકાંક્ષી યોજનાઓ માટે અબજો ડોલરનુ રોકાણ કરી ચુકયુ છે.

જોકે પાક સેનાની ટી-85 ટેન્કને લઈને બંને દેશ વચ્ચે વિવાદ ઉભો થયો છે. પાક સેનાની ટેન્કને અપગ્રેડ કરવા માટે પાકિસ્તાનની કંપની હેવી ઈન્ડસ્ટ્રિઝ તક્સીલા દ્વારા ચાઈના નોર્થ ઈન્ડસ્ટ્રિઝ ગ્રૂપ કોર્પોરેશન પાસે 200 રેડિએટર માંગવામાં આવ્યા હતા.

શરૂઆતના તબક્કામાં ચીનની કંપનીએ 73 રેડિએટર સપ્લાય કર્યા હતા.જોકે  હેવી ઈન્ડસ્ટ્રિઝ તક્સીલા આ રેડિએટરથી અસંતુષ્ટ છે અને તેમાં બદલાવ ઈચ્છે છે. જ્યારે ચાઈનિઝ કંપની ચાઈના નોર્થ ઈન્ડસ્ટ્રિઝ ગ્રૂપ કોર્પોરેશને પાક કંપનીની માંગણી ફગાવી દીધી છે અને કારણ આપ્યુ છે કે, રેડિએટરમાં કોઈ પણ પ્રકારના બદલાવના કારણે એન્જિનની પાવર સિસ્ટમ પ્રભાવિત થઈ શકે છે.

બીજી તરફ પાક સેનાને ડર છે કે, રેડિએટર યોગ્ય રીતે કામ નહીં કરે તો એન્જિન ગરમ થઈને બંધ પણ પડી શકે છે.

દરમિયાન પાકિસ્તાન ચીન સાથે થયેલા અન્ય એક સોદામાં પણ બદલાવ ઈચ્છી રહ્યુ છે. બંને દેશો વચ્ચે 220 અલ ખાલિદ ટેન્કો માટે થઈ હતી. જેને પાકિસ્તાનની કંપની હેવી ઈન્ડસ્ટ્રિઝ તક્સીલામાં બનાવવાની હતી. જોકે 110 ટેન્ક તૈયાર થયા બાદ પાકિસ્તાન આ સોદાને આગળ વધારવા માટે ઈચ્છુક નથી અને તેણે ચીનમાં જ બનેલી અત્યાધુનિક બીજી ટેન્કની માંગણી કરી છે.

(2:14 pm IST)