મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી નિશાન બનાવી રોકેટ હૂમલો કરાયોઃ આ રોકેટ ખુર્શીદ પ્રાઈવેટ યુનિવર્સિટી પાસે છોડવામાં આવ્યા

રોકેટ કાબુલ એરપોર્ટની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવા માટે છોડવામાં આવ્યા હતાઃ આ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી નિશાન બનાવવામાં આવ્યું છે અને રોકેટ હુમલો કરાયો છે. અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રોકેટ ખુર્શીદ પ્રાઈવેટ યુનિવર્સિટી પાસે છોડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ રોકેટ કાબુલ એરપોર્ટની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવા માટે છોડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ કાબુલ એરપોર્ટ પર લાગેલી એર ડિફેન્સ સિસ્ટમે રોકેટ હુમલાને નિષ્ફળ કર્યો અને રોકેટને હવામાં જ તોડી પાડ્યા. અમેરિકાએ આ એરપોર્ટની સુરક્ષા માટે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ લગાવી રાખી છે. તાજો રોકેટ હુમલો લાબ જાર ખેરખાના ચાર રસ્તા પાસે થયો છે. આતંકીઓએ આ હુમલો એવા સમયે કર્યો કે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકાએ એક ડ્રોન હુમલો કરીને આઈએસઆઈએસના આતંકીઓની કારને નિશાન બનાવી હતી. 

આ આતંકી આત્મઘાતી બોમ્બ હુમલાખોર હતા જે કાબુલ એરપોર્ટને નિશાન બનાવવા માંગતા હતા. આ હુમલામાં અનેક આતંકીઓ ઉપરાંત 9 સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં એક જ પરિવારના 6 બાળકો પણ સામેલ હતા.

(11:11 am IST)