મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

ISIS-Kમાં પાકિસ્તાનીઓ સાથે ઘણા ભારતીયો પણ સામેલ: કમાન્ડરનો ચોંકાવનારો ખુલાસો

તાલિબાન સાથે અમારુ કોઈ ગઠબંધન નથી :અમે શરિયા કાયદો લાગુ કરવા માંગીએ છે.તાલિબાન પર વિદેશી શક્તિઓનો પ્રભાવ

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ બહાર તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS-K દ્વારા લેવામાં આવી છે.

આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 169 લોકો માર્યા ગયા હતા.એ પછી અમેરિકન ન્યૂઝ ચેનલે ISIS-Kના કમાન્ડરનો ઈન્ટરવ્યૂ પણ લીધો છે. જેમાં આ કમાન્ડરે દાવો કર્યો છે કે, ISIS-Kમાં પાકિસ્તાનીઓની સાથે સાથે ઘણા ભારતીયો પણ સામેલ છે.

કાબુલની એક હોટેલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં આ કમાન્ડરે કહ્યુ હતુ કે, કાબુલમાં અમને કોઈ તકલીફ નથી,અહીંયા અમારુ કોઈ ચેકિંગ પણ થતુ નથી.ઓળખ જાહેર નહીં કરવાની શરતે આપેલા ઈન્ટરવ્યૂમાં કમાન્ડરે કહ્યુ હતુ કે, મારા હાથ નીચે 600 કરતા વધારે લોકો કામ કરે છે.જેમાં પાકિસ્તાની અને ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

તેણે દાવો કર્યો હતો કે, કેટલાક સભ્યો તાલિબાન સામે પણ લડાઈ લડી રહ્યા છે અને તાલિબાન સાથે અમારુ કોઈ ગઠબંધન નથી.અમે તેમની સાથે મળીને પણ કામ કરી રહ્યા નથી.અમે શરિયા કાયદો લાગુ કરવા માંગીએ છે.તાલિબાન પર વિદેશી શક્તિઓનો પ્રભાવ છે.અમે જે કામ કરી રહ્યા છે તેમાં જે પણ અમારી સાથે છે તે અમારા ભાઈ છે અને જે અમારી સામે છે તેમની સામે અમે યુદ્ધની જાહેરાત કરેલી છે.

એક સવાલના જવાબમાં કમાન્ડરે કહ્યુ હતુ કે, અમેરિકાના સૈનિકો સાથે પણ અમારો સામનો થયેલો છે અને અમેરિકાએ અમારા પર ઘણી એર સ્ટ્રાઈક પણ કરેલી છે. અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી વિદાય બાદ અમારા માટે સંગઠનનુ વિસ્તરણ કરવુ આસાન થશે.

(12:00 am IST)