મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

સાહેબ, પેટ્રોલનાં ભાવનું કંઈક કરજો : 15મી ઓગસ્ટનાં ભાષણ માટે લોકોએ પીએમ મોદીને કેવી સલાહો આપી ?

પીએમ મોદીએ લોકો પાસેથી માંગ્યા સૂચનો : સોશ્યલ મીડિયામાં લોકોએ મુદાઓનો ઢગલો ખડક્યો:યુઝર્સે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો : 15મી ઓગસ્ટ માટે પેટ્રોલ અને મોંઘવારી સૌથી વધુ ટ્રેન્ડમાં

નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલયનાં ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરીને લોકોને અપીલ કરવામાં આવી છે કે 15મી ઓગસ્ટે પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ? તેવામાં સોશ્યલ મીડિયામાં યુઝર્સે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો  છે તેમાંયે 15મી ઓગસ્ટ માટે પેટ્રોલ અને મોંઘવારી સૌથી વધુ ટ્રેન્ડમાં  રહ્યો છે

સોશ્યલ મીડિયા PM મોદીનું મોટું હથિયાર ગણાય છે, ભારતીય જનતા પાર્ટીનાં મજબૂત આઇટી સેલનાં વખાણ પણ થાય છે. જોકે આ જ સોશ્યલ મીડિયામાં હવે મોદી સરકારને ન ગમે તેવા મુદ્દાઓ વારંવાર ટ્રેન્ડમાં આવી રહ્યા છે

વડાપ્રધાન  મોદી મન કી બાત કાર્યક્રમને લઈને કાર્યક્રમ પહેલા સોશ્યલ મીડિયા પર હંમેશા લોકો પાસેથી સલાહ માંગે છે. એ જ રીતે હવે સ્વતંત્રતા દિવસનાં સંબોધનને લઈને પીએમ મોદીએ ટ્વિટરનાં માધ્યમથી લોકો પાસેથી સલાહ માંગી છે

વડાપ્રધાન કાર્યાલયનાં આધિકારીક ટ્વિટર અકાઉન્ટથી ટ્વિટ કરીને લોકોને અપીલ કરવામાં આવી છે કે 15મી ઓગસ્ટે પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ? સામાન્ય પ્રજા વેબસાઇટનાં માધ્યમથી પીએમ મોદીને ભાષણ માટે સલાહ આપી શકે છે. 

જોકે આ ટ્વિટ અત્યારે સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. મહામારી અને મોંઘવારીનાં કારણે ત્રસ્ત થયેલ પ્રજા જે મુદ્દાઓથી મોદી સરકાર ભાગે છે તેનો ઉલ્લેખ ટ્વિટ કરી રહ્યા છે. પીએમ મોદીનાં કાર્યાલયની આ ટ્વિટમાં 11 કલાકમાં 1200થી વધારે કોમેન્ટ આવી છે. જે પ્રકારે પીએમ મોદીને ભાષણ માટે સલાહો મળી રહી તેને જોતાં તેમને વક્તવ્ય માટે ઘણા બધા મુદ્દાઓ મળી ગયા હશે તેવું લાગી રહ્યું છે. 

પીએમ  મોદીને મળી રહેલ સૂચનમાં પેટ્રોલનાં વધતાં ભાવ સૌથી ઉપર છે, મોટા ભાગનાં યુઝર્સ પીએમ મોદીને મોંઘવારી મુદ્દે ભાષણ આપવા માટે કહી રહ્યા છે. આ સિવાય અર્થતંત્ર, કોરોના વાયરસ, અર્થતંત્ર, ખેડૂત આંદોલન મુદ્દે પણ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. જોકે દર વર્ષે કઈંક નવા મુદ્દાઓ લઈને આવનાર પીએમ મોદી આ વખતે શું બોલે છે તેના પર સૌ કોઇની નજર રહેશે. 

(10:38 pm IST)