મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

શિલ્પા શેટ્ટીની માનહાની અરજી : કોર્ટે કહ્યું-પોલીસ સૂત્રોના આધારે કરેલ રિપોર્ટિંગ અપમાનજનક નથી

શિલ્પા શેટ્ટીએ અનેક મીડિયા હાઉસ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો

મુંબઈ : અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ અનેક મીડિયા હાઉસ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં થઈ હતી. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે સૂત્રોના હવાલેથી જો મીડિયા સમાચાર ચલાવે છે તો તે ખોટું કેવી રીતે છે. હાઇકોર્ટના વકીલે એમ પણ કહ્યું હતું કે તમારે ક્લાયન્ટના પતિ વિરુદ્ધ એક કેસ છે અને તેમાં આ કોર્ટ કોઈ પણ રીતે હસ્તક્ષેપ કરશે નહીં. તમારા ક્લાયન્ટ કોઈ પણ હોઈ શકે છે, પરંતુ માનહાનિ માટે એક કાયદો છે.

શિલ્પાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મીડિયામાં જે અહેવાલો આવે છે, તેનાથી તેના બાળકોને અસર થાય છે. શિલ્પાના રડવાના જે સમાચારો આવ્યા તેનાથી ખ્યાલ આવે છે કે તે પણ આખરે એક માણસ છે. આના પર કોર્ટે એવો સવાલ કર્યો હતો કે હવે તે શું આશા રાખે છે કે કોર્ટ તપાસ કરે કે દરેક સ્ટોરી માટે મીડિયા હાઉસ કયા સોર્સનો ઉપયોગ કરે છે? કોર્ટે એવું પણ કહ્યું હતું કે જો કોઈ અહેવાલ પોલીસ સૂત્રોના આધાર પર બનાવવામાં આવ્યો છે, તો તે માનહાનિકારક નથી.

શિલ્પા શેટ્ટીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે અનેક મીડિયા હાઉસ કોઈ પણ આધાર વગર તેની વિરુદ્ધ ખોટા સમાચાર ચલાવે છે. શિલ્પાએ અપીલ કરી હતી કે કોર્ટ આદેશ આપે કે આ પ્રકારના આર્ટિકલ પબ્લિશ કરનારા તમામ મીડિયા હાઉસ આ આર્ટિકલ ડિલિટ કરે અને માફી માગે. આ સાથે જ શિલ્પાએ 25 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.શિલ્પાએ કહ્યું હતું કે પોર્ન કેસમાં તેનો પતિ આરોપી છે, પરંતુ મીડિયાએ તેની ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે. આ કારણે પબ્લિક, ચાહકો, ફોલોઅ્સ તથા તેની બ્રાન્ડ વેલ્યૂ પર અસર પડી છે

(6:48 pm IST)