મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

આવતીકાલથી નવું જાહેરનામું લાગુઃ લગ્ન પ્રસંગમાં માત્ર ૧૫૦ લોકોની હાજરી જ માન્ય

લગ્ન પ્રસંગમાં લોકોની હાજરી મામલે સરકારે કરી સ્પષ્ટતા : રાજયના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહતઃ ૮ મહાનગરોમાં હવે રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી રાત્રિ કર્ફ્યૂ

અમદાવાદ, તા.૩૦: ગુજરાતમાં કોરોનાના કેસમાં દ્યટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂથી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ કરફ્યૂના સમયમાં એક કલાકનો દ્યટાડો કરાયો છે. જે આવતીકાલે ૩૧ જુલાઈથી લાગુ કરાશે. પરંતુ કોરોના ગાઈડલાઈનને લઈને ગુજરાત સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. લગ્નને સામાજિક કાર્યક્રમમાં ન ગણવાનું સરકારે કહ્યુ છે.

આ સાથે જ લગ્ન પ્રસંગમાં માત્ર ૧૫૦ લોકોની હાજરીને જ માન્ય રાખી છે. ૪૦૦ લોકોની હાજરી સામાજિક કાર્યક્રમો માટે જ પરમિશનમાં અપાશે. સાથે જ મરણ પ્રસંગમાં ૪૦ લોકોની હાજરીની છૂટ આપી છે. આ તમામ ગાઈડલાઈન આવતીકાલથી લાગુ પડશે.

આવતીકાલથી ગુજરાતમાં નવું જાહેરનામું લાગુ થશે. જેમાં નાગરિકોને અનેક છૂટછાટો આપવામાં આવી છે. જેમ કે...

 ખુલ્લા અથવા બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં ૧૫૦ લોકોની મર્યાદા

 રાજયમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી જરૂરી

 રાજયમાં અંતિમવિધિ માટે ૪૦ લોકોની મંજૂરી આપવામાં આવી

 ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમોમાં ૪૦૦ લોકોની છૂટ     

 ગણેશ મહોત્સવમાં ૪ ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી

 સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ૪૦૦ લોકોને છૂટ આપવામાં આવી

 આવા કાર્યક્રમોમાં બંધ સ્થળોએ પણ ૪૦૦ વ્યકિતઓની છૂટ

 શૈક્ષણિક સંસ્થાઓ SOP સાથે ચાલુ રહેશે, નિયમ પાલન જરૂરી

 રાજયભરમાં ૬૦ ટકા ક્ષમતા સાથે જીમ ખુલ્લા રહેશે

 રાત્રે ૯ વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લી રાખી શકાશે

 હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ

 રાજયમાં સ્પા ખોલવાની હજુ મંજૂરી નહીં, સ્પા બંધ રહેશે.

(3:27 pm IST)