મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

શિક્ષક બનાવવાના નામે યુવાનો પાસે રુપિયા ખંખેરવાનું કૌભાંડ

ઝારખંડના ગઢવા જિલ્લાની ચકચારી ઘટના : જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની સંસ્થાની ઓફિસે બેરોજગારો પાસેથી ૧.૫ કરોડ ઉઘરાવ્યા

ગઢવા, તા.૩૦ : ઝારખંડના ગઢવા જિલ્લા ખાતેથી બેરોજગાર યુવાનોને શિક્ષક બનાવવાના નામે કરોડો રૃપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ કૌભાંડમાં ૨-૪ નહીં પણ આશરે ૩,૦૦૦ યુવાનો પાસેથી ૪-૪ હજાર રૃપિયા વસૂલવામાં આવ્યા છે. ધીરે-ધીરે પીડિતોને સમગ્ર ઠગાઈ અંગે જાણ થઈ હતી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગઢવાના ડાલટનગંજ સ્થિત જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની સંસ્થાની ઓફિસ બહાર ગત ૧૬ જૂન સુધી બેરોજગારોની ભારે ભીડ જામતી હતી. આ સંસ્થાએ આશરે ૩,૦૦૦ યુવાનો પાસેથી નોકરી અપાવવાના નામે ૧.૫ કરોડ રૃપિયા ઉઘરાવ્યા હતા અને હવે તેને તાળા વાગી ગયા છે.  

ડાલટનગંજમાં છેલ્લા ૧ વર્ષથી આ સંસ્થાની ઓફિસ આવેલી હતી અને ૧૭ જૂનના રોજ અચાનક જ તે ઓફિસ બંધ થઈ ગઈ હતી. આ સંસ્થાએ ૩,૦૦૦થી પણ વધારે બેરોજગાર યુવાનોને શિક્ષક બનાવવાનું સપનું બતાવીને તેમના પાસેથી કુલ ૧.૫ કરોડથી પણ વધારે રૃપિયા આંચકી લીધા હતા અને બાદમાં તેને તાળા વાગી ગયા છે. તેમણે ગઢવા શહેરના કાલી મંદિર પાસે પણ કલેક્શન સેન્ટર તરીકે એક રૃમ લીધો હતો જ્યાં ૮ દિવસ સુધી અવર-જવર રહી હતી.

ઠગાઈનો ભોગ બનેલા યુવાનોએ જણાવ્યું કે, જેએસયુ ઈન્ડિયા એજ્યુકેશન એન્ડ સોશિયલ સર્વિસીઝ નામની તે સંસ્થા કેરળથી સંચાલિત થતી હતી. તેમાં હોમ ટ્યુટર તરીકે કામ કરવા માટે ઈચ્છુક લોકો પાસેથી રજિસ્ટ્રેશન ફી તરીકે ૭૫૦ રૃપિયા અને ડિપોઝિટ તરીકે ૩,૨૫૦ એમ કુલ ૪,૦૦૦ રૃપિયા શરૃઆતમાં અરજી સાથે લેવામાં આવ્યા હતા.

જ્યારે પ્રી હોમ ટ્યુટર તરીકે કામ કરવા માટે ઈચ્છુક લોકો પાસેથી ૩૭૫ રૃપિયા રજિસ્ટ્રેશન ફી અને ૧,૬૨૫ રૃપિયા ડિપોઝિટ તરીકે લેવામાં આવ્યા હતા. આમ યુવક-યુવતીઓ પાસેથી ફોર્મ ભરવાના નામે ૨-૪ હજાર રૃપિયા ઉઘરાવીને ૧૭ જૂન ૨૦૨૨ના રોજ અચાનક જ સંસ્થાને તાળા વાગી ગયા હતા.

(8:27 pm IST)