મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે કુલ ૧૧૫ નોમિનેશન

ફાઇલ ૨૮ ચકાસણી પહેલા જ નામંજૂર : રાષ્‍ટ્રપતિની ચૂંટણી ૧૮ જુલાઇના રોજ યોજાશે

નવી દિલ્‍હી,તા. ૩૦: રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ ગઇ કાલે પૂરી થઈ. અંતિમ દિવસ એટલે કે ૨૯ જૂન સુધી કુલ ૧૧૫ ઉમેદવારીપત્રો ભરાયા હતા. તેમાંથી ૮૭ નામાંકન ચકાસણી માટે બાકી છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે કુલ ૧૧૫ ઉમેદવારીપત્રોમાંથી ૨૮ ઉમેદવારોના નામ સાથે મતદાર યાદી રજૂ ન કરવાને કારણે નામંજૂર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બાકીના ૮૭ નોમિનેશન ૭૨ ઉમેદવારોના છે જેની ગુરુવારે ચકાસણી કરવામાં આવશે.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્‍સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને સંયુક્‍ત વિરોધ પક્ષના યશવંત સિંહા ઉમેદવારી પત્રો ભરનારાઓમાં સામેલ છે. ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ અને યશવંત સિંહા મુખ્‍ય ઉમેદવાર છે.

તેમના સિવાય ઘણા સામાન્‍ય લોકોએ પણ દેશના સર્વોચ્‍ચ બંધારણીય પદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમાં મુંબઈના ઝૂંપડપટ્ટીમાં રહેનાર, રાષ્ટ્રીય જનતા દળના સ્‍થાપક લાલુ પ્રસાદ યાદવના નામનો વ્‍યક્‍તિ, તમિલનાડુના સામાજિક કાર્યકર્તા અને દિલ્‍હીના પ્રોફેસરનો સમાવેશ થાય છે.

(10:19 am IST)