મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

વિદેશીઓ માટે મુંબઇ ભારતનું સૌથી મોંઘુ શહેર : દિલ્‍હી બીજા ક્રમે

વૈશ્વિક સ્‍તરે હોંગકોંગ સૌથી મોંઘુ : સર્વેમાં વિશ્વના ૨૨૭ શહેરો આવરી લેવાયા

મુંબઇ,તા. ૩૦ : વિદેશીઓ માટે મુંબઇ રહેવા માટે અને જીવનજરૂરી ખર્ચ બંને રીતે ભારતનું સૌથી મોંઘુ શહેર છે. નવી દિલ્‍હી આ યાદીમાં બીજા ક્રમે છે. એવું એક સરવેમાં જણાવાયું છે. જો કે વૈશ્વિક સ્‍તરે આ બંને મહાનગરો ખર્ચની રીતે ઘણા વાજબી છે. મર્સના ૨૦૨૨ ‘કોસ્‍ટ લિવિંગ સરવે' પ્રમાણે વિદેશીઓ માટે રહેવાની અને જીવનજરૂરી ચીજોના ખર્ચની બાબતમાં મુંબઇ ૧૨૭માં ક્રમે છે. અને તે ભારતનું સૌથી મોંઘુ શહેર છે. ત્‍યાર પછીના ક્રમે નવી દિલ્‍હી (૧૫૫), ચેન્‍નાઇ (૧૭૭), બેંગલુરૂ (૧૭૮) અને હૈદરાબાદ (૧૯૨) છે. આ યાદીમાં ૂણે અને કોલકતાનું સ્‍થાન અનુક્રમે ૨૦૧ અને ૨૦૩ છે. જો કે વૈશ્વિક સ્‍તરે ભારતના આ મહાનગરો વિદેશીઓ માટે સૌથી વાજબી ખર્ચ ધરાવતા શહેરો છે.

વૈશ્વિક સ્‍તરે હોંગકોંગ સૌથી મોંઘુ શહેર છે. ઝ્‍યુરિક, જિનિવા, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડના બેસલ અને બર્ન, ઇઝરાયલનું તેલ અવિવ, ન્‍યુયોર્ક, સિંગાપોર, ટોકિયો, અને બેઇજિંગ ત્‍યાર પછીના ક્રમે છે. મર્સરનો આ સરવે માર્ચ ૨૦૨૨માં કરાયો હતો. ચાલુ વર્ષના રેન્‍કિંગમાં ૨૦૦ થી વધુ કોમોડિટીના ભાવો ધ્‍યાનમાં લેવાયા છે. જેમાં વિશ્વના પાંચ ખંડના ૨૨૭ શહેરના હાઉસિંગ, ટ્રાન્‍સપોર્ટેશન, ખાદ્ય ચીજો, કપડા, ઘરમાં વપરાતો સામાન અને મનોરંજનના ખર્ચને ધ્‍યાનમાં લેવાયો છે. મુંબઇ મલ્‍ટિનેશનલ કંપનીઓમાં બિઝનેસ શરૂ કરવા માટે સૌથી વધુ પ્રચલિત છે. જો કે, મુંબઇના ઉંચા જીવનનિર્વાહ ખર્ચને કારણે કંપનીઓ હૈદરાબાદ, ચેન્‍નાઇ અને પૂણે જેવા ઓછા ખર્ચાળ વિકલ્‍પો તરફ નજર દોડાવી રહી છે.

(10:05 am IST)