મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

સ્કુલમાં શિક્ષક હોય અને ગુરૂકુળમાં ગુરૂ હોય, ગુરૂકુળ પાવન શબ્દઃ પૂ. મોરારીબાપુ

પતંજલી સેવાશ્રમ દેવપ્રયાગમાં આયોજીત ઓનલાઇન શ્રીરામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ૩૦ : ''સ્કુલમાં શિક્ષક હોય અને ગુરૂકુળમા ગુરૂ હોય છે. જયારે ગુરૂકુળ પાવન શબ્દ છે'' તેમ પૂ. મોરારીબાપુ એ પતંજલી સેવાશ્રમ દેવપ્રયાગ ખાતે આયોજીત ઓનલાઇન ''માનસ દેવપ્રયાગ'' શ્રીરામકથાના પાંચમાં દિવસે કહ્યું હતંુ.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે ચોથા દિવસે કહ્યું હતું કે, અલકનંદા, ભાગીરથી એવી નાની-નાની ધારાઓ મોટી ધારામાં મળે છે. ત્યારે પોતાનું અસ્તિત્વ અને નામ પણ ગુમાવે છે એ જ આગળ પ્રયાગમાં યમુના સરસ્વતી વગેરે મળીને પણ ગંગાનું નામ ધારણ કરે છે. દરેક નદી પોતાનું નામ-રૂપ ભૂલીને વિલીન થઇ જાય છે. અને વિલીન થાય છે એ જ અંતે પરમ સાગરને મળે છે . એ જ રીતે આપણે પણ એમાં ભળી જવું જોઇએ જે આપણને લઇને ચાલે, બાપુએ જણાવ્યું કે આ ગુણ સાધન તારી કૃપા વગર નહી થાય. પરમાત્મા જયારે પણ શરીર ધારણ કરે છે તેનું શરીર ચિદાનંદ-ચિન્મય-આનંદમય હોય છે. મૂર્તિ કૃપામયી હોય છે. સમુદ્રને જયાંથી પણ ચાખીએ ખારો જ લાગે છે. પણ પ્રમાદ ના કરવો જોઇએ સાધના કરતા રહેવું જોઇએ. હું શા માટે કથા કહેતો ફરૂ છું ? કોરોનામાં પણ સરકારના અનુશાસનને વિનમ્રતાથી આદર આપીને પણ ગામડે-ગામડે શા માટે ઘૂમી રહ્યો છે.

આખી દુનિયા ઘુમી રહી છે, પોતાના ઇરાદાઓ લઇને ! અમે કથા લઇને ઘુમીએ છીએ કથા સાધન નહીં, સાધ્ય છે. કેટલાય સાધનો પછી મળે છે. બાપુએ જણાવ્યું કે આટલી વસ્તુ યાદ રાખજો આપણને સુખ મળે, સુખને શાશ્વત રાખવા માટે સુવિધા મળે, પ્રારબ્ધ અને પુરૂષાર્થના કારણે કંઇક પ્રાપ્તિ થાય, યોગ્યતા મળે, પદ-પ્રતિષ્ઠા મળે, આધ્યાત્મિક અને ભૌતિક જગતમાં બધું જ મળે ત્યારે ખૂબ ધ્યાન રાખવું કે મારા કોઇ વિચારથી કે મારા કોઇ કદમથી કોઇને પણ ઠેસ ન પહોંચે.

પૂ. મોરારીબાપુએ આજે શ્રીરામ કથામાં શ્લોક અને ચોપાઇના ગાન સાથે માહોલને વધુ ભકિતમય બનાવ્યો હતો.

(4:13 pm IST)