મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હવે ખતરો બને તે પહેલા ડબલ્યુએચઓ અને સરકાર કોરોના ટેસ્ટની નવી ગાઇડલાઇન જાહેર કરશે

વેકિસનના બે ડોઝ લીધા હોવા છતા પણ સંક્રમણ ફેલાવાનો ભય

નવી દિલ્હી, તા. ૩૦ : દેશમાં કોરોના વાયરસનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હવે દેશ અને દુનિયા માટે નવો ખતરો બની ચૂક્યો છે. એવામાં ભારત સરકાર દ્વારા કોરોના ટેસ્ટને લઈ ઘણા મોટા ફેરફાર કરી શકે છે. આ ફેરફાર બાદ જે લોકોમાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર આ બદલાવ WHO દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તેને લાગુ પાડવામાં આવશે. જેથી કોરોના વાયરસમાં સંક્રમણની તપાસ કરવામાં નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવશે.

જો સાથે વેકસીનેશન પર વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં ૩૨ કરોડથી વધુ વેકિસન ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. જેમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે વેકિસનના બંને ડોઝ લઈ ચૂક્યા છે. સાથે જ ભારતમાં એવા પણ લોકો છે જેમને એક વાર કોરોના થયા બાદ બીજી વખત તેઓ ટેસ્ટ કરાવતા નથી. પણ સ્થિતિ ત્યારે બગડે છે જ્યારે આલ્ફા, બીટા અને ગામાની સાથે સાથે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લીધે વેકિસનના બને ડોઝ લીધા બાદ પણ તેઓ સંક્રમિત થાય છે પણ ટેસ્ટ નથી કરાવતા.

WHOના કહ્યા મુજબ જો ટેસ્ટ કીટ ઓછી હોય ત્યારે જે લોકોમાં લક્ષણ ઓછા હોય કે પછી ના હોય તેવા લોકોનો ટેસ્ટ કરવો મુશ્કેલ પડી જાય છે અને પરિણામે જે લોકોમાં લક્ષણો હોય છે તેવા લોકોના ટેસ્ટ કરવાના રહી જાય છે. જેમ કે સ્વાસ્થ્ય કર્મીઓ, દર્દીઓ, જે ઘરમાં કે વિસ્તારમાં વધુ કેસો આવ્યા હોય તેવા લોકો, કે પછી જે લોકોમાં વધુ લક્ષણો દેખાય છે તેવા લોકોને પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ.

(4:12 pm IST)