મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

દિલ્હીમાં મળી રહયા છે આવા દર્દીઓ

હાય..હાય... હવે નવું ગતકડું: ડેડ વાયરસ સામે આવ્યોઃ સાજા થયા પછી પાછા માંદા પાડી દયે છે

નવી દિલ્હી, તા.૩૦: કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી પણ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી, થાક અને હૃદય અંગેની તકલીફો જોવા મળી રહી છે. એવા પણ ઘણાં દર્દીઓ સામે આવી રહયા છે જેમને વાયરસની અસરના કારણે પેટ, આંતરડા, લીવર વગેરેમાં ગંભીર તકલીફો થઇ રહી છે. તેમાંથી કેટલાકના કોરોના રીપોર્ટ એક મહિના પછી પણ પોઝીટીવ આવ્યા છે. ડોકટરોનું કહેવું છે કે શરીરમાં ઉપસ્થિત ડેડ વાયરસના કારણે આવું થઇ રહયું છે. અમર ઉજાલાના એક રીપોર્ટ અનુસાર, દિલ્હીની આકાશ હોસ્પિટલમાં ગત ત્રણ સપ્તાહમાં એવા ૨૦ થી વધારે દર્દીઓ દાખલ થઇ ચૂકયા છે જેમને કોરોનામાંથી સાજા થયા પછી આંતરડામાં અલ્સર, સતત ઝાડા, લીવરની તકલીફો અને પેટ સંબંધી અન્ય બીમારીઓ થઇ છે. આ દર્દીઓમાં નાના બાળકો પણ સામેલ છે. આકાશ હોસ્પિટલના ગેસ્ટ્રોલોજી વિભાગના ડોકટર શરદ મલ્હોત્રાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી લીવર અને આંતરડાની તકલીફવાળા ઘણાં દર્દીઓ સારવાર માટે આવ્યા છે. આ બધા દર્દીઓ કોરોનાનો શિકાર થયા હતા. એટલે જાણવા મળ્યું કે કોરોના ફેફસા અને હૃદય ઉપરાંત અન્ય અંગોને પણ બહુ અસર કરી રહયો છે. તેમણે કહયું કે જે દર્દીઓને કોરોનામાંથી સાજા થયા પછી શરીરના અન્ય અંગોમાં જો કોઇ તકલીફ શરૂ થઇ હોય તો તેને હળવાશથી ના લે કેમ કે કોરોના શરીરના અન્ય અંગોને પણ અસર કરે છે. જો કોઇ તકલીફ ઉભી થાય તો તરત ડોકટરોની સલાહ લો.

(12:55 pm IST)