મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

સિગરેટ, બીડી, તંબાકુથી કોરોના થવાનું જોખમ ઘટે

તંબાકુ અને બીડી વિક્રેતા સંગઠનનો હાઇકોર્ટમાં અજીબ દાવો

મુંબઈ,તા.૩૦: સિગરેટ, બિડી, તંબાકુનું સેવન કરનારા લોકોને કોરોના થવાનું જોખમ ઓછું હોય છે. આમાં નિકોટિન નામનું તત્વ હોય છે જે કોરોનાનો સંસર્ગ રોકવા માટે એક મહત્ત્વપૂર્ણ ઘટક છે, એવો અજબ દાવો ફેડરેશન ઓફ રિટેલર્સ એસોસિયેશન અને મુંબઈ બિડી તંબાકુ વેપારી એસોસિયેશને મુંબઈ હાઈ કોર્ટમાં કર્યો હતો.

કોરોના સંબંધિત જનહિત અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે અગાઉ ધુમ્રપાન સંદર્ભે પ્રશ્ર્નો ઉપસ્થિત કર્યા હતા. કોરોના વાઇરસ સીધો ફેંફસા પર હુમલો કરતો હોવાથી શું ધ્રુમપ્રાન કરનારાઓને કોરોનાનો સંસર્ગ થવાનું જોખમ વધુ હોય છે કે? આ સંબંધિત કોઇ અભ્યાસ થયો છે કે? એવા પ્રશ્ર્નો ઉપસ્થિત કરીને મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત્।ા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ રાજય સરકારને આપ્યો હતો. એ અનુસાર રાજયના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ટાટા મેમોરિયલ સેન્ટરના નિષ્ણાત ડોકટર્સનો અહેવાલ રજૂ કર્યો હતો. ધૂમ્રપાનને કારણે કોરોનાના સંસર્ગનું જોખમ વધતું હોવાનો દાવો એમાં કરવામાં આવ્યો હતો.

ટાટા મેમોરિયલ સેન્ટરના અહેવાલ પર તંબાકુ અને બિડી વિક્રેતાના બે સંગઠને ગઇ કાલે હસ્તક્ષેપ અરજી દાખલ કરીને તેમની વાત પણ સાંભળવામાં આવે એવી વિનંતી કરી હતી. ખંડપીઠે બંને સંગઠનની વાત સાંભળવાની કોર્ટે તૈયારી દર્શાવી હતી. એ સમયે આ સંગઠને દાવો કર્યો હતો કે 'સિગરેટ, તંબાકુ, બિડીના સેવનથી કોરોના થવાનું જોખમ ઘટે છે.' સિગરેટ, બિડી વિક્રેતા સંગઠનનો આ દાવો સ્વીકારવામાં આવે તો કેન્દ્ર સરકારે આવા ઉત્પાદનો પર જે ચેતવણી છાપવાનું ફરજિયાત કર્યું છે એ કાઢી નાખવા માટે પગલાં લેવા જોઇએ, એવી ઉપહાસાત્મક ટીકા ખંડપીઠે કરી હતી.

દરમિયાન ધૂમ્રપાન કરતા લોકોમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે કયા પગલાં લઇ શકાય? એ અંગે કોર્ટને જણાવવાનું રાજય સરકારને અગાઉની સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું. એના જવાબમાં મહારાષ્ટ્ર સરકારે ગઇ કાલે જણાવ્યું હતું કે એમણે ધ્રૂમ્રપાન સામે હજુ સુધી કોઇ પગલાં લીધા નથી.

(10:10 am IST)