મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ટિકટોક સહિતની એપ્સ ઉપર પ્રતિબંધ મુદ્દે ચીન ભારે નારાજ

સુરક્ષાના કારણોથી ચીનની એપ પર પ્રતિબંધ મુકાયો : પ્રાઈવસીના બધા નિયમો પાળતા હોવાનો ટિકટોકનો દાવો

નવી દિલ્હી, તા. ૩૦ભારત સરકારે ટિકટોક સહિત ૫૯ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યાના બીજા દિવસે ચીને અણગમો વ્યક્ત કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ગંભીર ચિંતાની વાત છે. અમે ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. પહેલાં ટિક ટોક ઈન્ડિયાએ કહ્યું કે અમે ભારતીય કાયદાનું પાલન કરી રહ્યાં છે. સમાચાર સંસ્થાઓના જણાવ્યા મુજબ એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ટિક ટોક એપને હટાવવામાં આવી છે. બીજી બાજુ ટિક ટોક ઈન્ડિયાના સીઈઓ નિખિલ ગાંધીએ કહ્યું કે, અમને અમારો પક્ષ રજૂ કરવા માટે બોલાવ્યા હતા.

          અમે ભારતીય કાયદા અંતર્ગત ડેટા પ્રાઈવેસી અને સુરક્ષાના નિયમોનું પાલન કરી રહ્યા છીએ. અમે ચીન સહિત કોઈ પણ વિદેશી સરકાર સાથે ભારતીય યુઝર્સના ડેટા શેર નથી કર્યા. જો ભવિષ્યમાં પણ અમને વિશે કહેવામાં આવશે તો અમે એવું નહીં કરીએ. અમે યુઝર્સની પ્રાઈવસી સમજીએ છીએ. નિખિલ ગાંધીએ જણાવ્યું કે, સરકારે અમને જવાબ અને અમારો પક્ષ રજૂ કરવા માટે અમને બોલાવ્યા છે. ટિકટોક ૧૪ ભાષાઓમાં છે. તેમાં લાખો આર્ટિસ્ટ, શિક્ષકો અને પરફોર્મર્સ જોડાયેલા છે. ઘણાં લોકો તેની સાથે જોડાયેલા છે. ટિકટોકના કારણે ઘણાં લોકોએ પહેલીવાર ઈન્ટરનેટનો ઉપયોગ શરૂ કર્યો છે.

આઇટી એક્ટના રૂલ ૬૯એ અંતર્ગત માહિતી અને પ્રસારણ મંત્રાલયે અલગ અલગ ખતરાને ધ્યાનમાં રાખીને ૫૯ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. નિર્ણય અંગે શેરચેટના પબ્લિક પોલિસી ડિરેક્ટર બેરગેસ માલુ જણાવ્યું કે, પ્રાઈવસી, સાયબર સિક્યુરિટી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમો ધરાવતા પ્લેટફોર્મ સામે સરકારનું આવકાર્ય પગલું છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે તેમનું સમર્થન ચાલુ રાખશે.

(10:32 pm IST)